સાતમી મેના રોજ કોરોનાની બીજી લહેરની પીક રહેશે
નવી દિલ્હી: કોરોના વાયરસની તબાહીથી આખા દેશમાં ભયનું વાતાવરણ વ્યાપ્યું છે. આ બધા વચ્ચે કોવિડ-૧૯ મામલે ભવિષ્યવાણી કરનારા સરકારના મેથેમેટિકલ મોડેલિંગ એક્સપર્ટ પ્રોફેસર એમ. વિદ્યાસાગરના કહેવા પ્રમાણે ૭ મેના રોજ કોરોનાની બીજી લહેર પીક પર પહોંચી શકે છે. આ કારણે હેલ્થ સેક્ટર્સે આ તારીખ પહેલા જ તૈયાર રહેવું પડશે.
પ્રો. વિદ્યાસાગરના મતે આ સપ્તાહના અંતથી કોરોનાના કેસ ઘટવા લાગશે. ૭ મેના રોજ કોરોના પીક પર હશે અને ત્યાર બાદ કેસની સંખ્યા ઘટવાનું શરૂ થશે. જાે કે, આ લહેર વિભિન્ન રાજ્યોમાં વિભિન્ન સમયે ચરમ પર હશે. સંયુક્ત રીતે જાેઈએ તો કોરોનાની લહેર પીક પર છે અથવા તો તેનાથી ખૂબ નજીક છે. પ્રો. વિદ્યાસાગરનો અંદાજાે સાચો પડે તો તે સમગ્ર દેશ માટે રાહતની વાત કહેવાય કારણ કે, આ સપ્તાહના અંત સુધીમાં દેશ કોરોનાની બીજી લહેરની પીકને પાર કરી જશે.
તેમના કહેવા પ્રમાણે બીજી લહેરની શરૂઆત મહારાષ્ટ્રથી થઈ હતી. જે રાજ્યો મહારાષ્ટ્રથી દૂર છે ત્યાં કોરોનાના કેસ ધીરે-ધીરે પીક પર આવશે અને તેમનું ડિક્લાઈન પણ સ્લો રહેશે. પરંતુ જે રાજ્યો મહારાષ્ટ્રની નજીક છે ત્યાં કોરોના જલ્દી પીક પર આવશે અને જાેખમ પણ જલ્દી જ ઘટવા લાગશે.
પ્રો. વિદ્યાસાગરના મતે મે મહિના બાદ કોઈ રાજ્યમાં કોરોના પીક પર નહીં રહે તેવી સંભાવના છે. વધુમાં વધુ આગામી ૧૦-૧૫ દિવસમાં ભારતનું દરેક રાજ્ય પીક પર હશે અને ત્યાંથી જ કેસ ઘટવાની શરૂઆત થશે. કોરોનાની બીજી લહેર જેટલી વધારે ગતિથી ઉપર આવી હતી તેટલી જ ઝડપથી નીચે પણ જશે.