Western Times News

Gujarati News

યુએસના રસીના કાચ માલથી બે કરોડ ડોઝનું ઉત્પાદન થશે

Files Photo

નવી દિલ્હી: અમેરિકી સરકારે ગત સપ્તાહે કોવિડ-૧૯ વેક્સિન માટે કાચો માલ મોકલ્યો હતો. અમેરિકાના કહેવા પ્રમાણે તેણે આ સપ્તાહમાં એટલો કાચો માલ મોકલી દીધો છે કે તેનાથી ભારતમાં કોવિશીલ્ડ વેક્સિનના ૨ કરોડ ડોઝનું ઉત્પાદન થઈ શકશે.

અમેરિકાની મેડિકલ સહાયના છઠ્ઠા પુરવઠા તરીકે આ કાચો માલ પહોંચાડવામાં આવ્યો છે. અમેરિકાના બાઈડન પ્રશાસને બુધવારે આપેલા નિવેદન પ્રમાણે ચાલુ સપ્તાહ દરમિયાન તેમણે જેટલો કાચો માલ મોકલ્યો છે તેનાથી ભારતમાં કોવિશીલ્ડના ૨ કરોડ ડોઝ તૈયાર થઈ શકે છે.

તે સિવાય અમેરિકી સરકારે રેમડેસિવિર ઈંજેક્શનની ૮૧,૦૦૦થી વધારે શીશીઓ પણ મોકલી છે. કોરોનાની બીજી લહેરે ભારતમાં ખૂબ જ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે. આ કારણે તમામ દેશો મદદ કરવા માટે આગળ આવ્યા છે. યુરોપિય સંઘે ભારતને ૨૨ લાખ યુરો એટલે કે આશરે ૧૯ કરોડ રૂપિયાનું ઈમરજન્સી ફન્ડિંગ કરવાની જાહેરાત કરી છે.

૨૭ દેશોના યુરોપિય સંઘના કહેવા પ્રમાણે યુરોપિય આયોગ દ્વારા જે ફંડની જાહેરાત કરવામાં આવી છે તે યુરોપિય સંઘના દેશો દ્વારા અલગ-અલગ જે મદદ કરવામાં આવી રહી છે તેનાથી અલગ છે.

ભારતને છઠ્ઠી વખત અમેરિકાની મદદ મળી છે. અમેરિકાએ ૬ દિવસમાં ભારતને ઈમરજન્સી રાહતની છઠ્ઠી ફ્લાઈટ મોકલી આપી છે. ઉલ્લેખનીય છે કે, કોવિશીલ્ડ વેક્સિનનું ઉત્પાદન સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા પુણે ખાતે કરવામાં આવે છે. તેનો મોટા ભાગનો કાચો માલ અમેરિકાથી આવે છે. તેના સીઈઓ અદાર પૂનાવાલાએ વેક્સિનના કાચા માલની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરવા અમેરિકી પ્રશાસનને વિનંતી કરી હતી કારણ કે, ભારતમાં વેક્સિનનું ઉત્પાદન વધારવું ખૂબ જ જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.