5Gના ટ્રાયલ માટે મંજૂરી ન મળતાં ચીન ખૂબ નારાજ થયું
નવી દિલ્હી: ભારત સરકારે ૫જી મોબાઈલ નેટવર્કની ટ્રાયલને મંજૂરી આપી દીધી છે જેમાં કોઈ ચીની કંપનીને તક નથી આપવામાં આવી. આ કારણે ચીન ખૂબ જ દુખી છે અને તેણે આ ભારતના વેપાર માટે યોગ્ય નથી તેવું નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ સપ્તાહ દરમિયાન દૂરસંચાર કંપનીઓને ૫જી ટ્રાયલ માટે ૫જી સ્પેક્ટ્રમ ઉપલબ્ધ કરવામાં આવશે.
રિલાયન્સ જીઓ, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને એમટીએનએલ-બીએસએનએલને ટ્રાયલ માટે ૫જી સ્પેક્ટ્રમ ઉપલબ્ધ કરી આપવામાં આવશે.
ચીની દૂતાવાસના પ્રવક્તા વાંગ શિઆયોજિયાને જણાવ્યું કે, ‘અમે આ વાત માટે ગાઢ ચિંતા અને દુખ વ્યક્ત કરીએ છીએ કે ચીની દૂરસંચાર કંપનીઓને ભારતીય કંપની સાથે ૫જી ટ્રાયલ કરવાની મંજૂરી નથી અપાઈ. અમે આશા રાખીએ છીએ કે ભારત આંતરિક વિશ્વાસ વધારવા વધુ સારા ર્નિણય લેશે. ચીની કંપનીઓને ૫જી મોબાઈલ નેટવર્કના ટ્રાયલની મંજૂરી ન આપવી ભારતના વેપાર માટે યોગ્ય નથી.’ તેમના કહેવા પ્રમાણે ચીની કંપનીઓને ટ્રાયલમાંથી બહાર રાખવાથી કાયદાકીય અધિકારો અને હિતોનું નુકસાન થશે તથા ભારતના સુધરી રહેલા વેપારી માહોલમાં પણ અડચણ આવશે.
તે ઈનોવેશન અને ભારતીય ઈન્ડસ્ટ્રી માટે પ્રેરક નથી. ટેલિકોમ કંપનીઓને આગામી ૨-૩ દિવસમાં સ્પેક્ટ્રમ ઉપલબ્ધ કરી આપવામાં આવશે. આ કંપનીઓ ઓરિજનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર અને તકનીકી પ્રદાતા કંપનીઓ એરિક્શન, નોકિયા, સેમસંગ અને સી-ડોટ સાથે ગઠબંધન કરશે. રિલાયન્સ જીઓ ફન્ફોકોમ સ્વદેશી તકનીક સાથે ૫જી મોબાઈલ નેટવર્કનું ટ્રાયલ કરશે. દૂરસંચાર વિભાગના કહેવા પ્રમાણે ટેલિકોમ કંપનીઓને ૬ મહિના માટે ૫જી સ્પેક્ટ્રમની ટ્રાયલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સમયગાળામાં તેના માટે જરૂરી ઉપકરણોની ખરીદી અને સેટિંગ માટેના ૨ મહિનાનો પણ સમાવેશ થઈ જાય છે.