Western Times News

Gujarati News

ખેડૂતે એક પત્થર હટાવી દેતાં ફ્રાન્સની સરહદ નાની થઈ ગઈ

પેરિસ: મામલો બેલ્જિયમનો છે. અહીં એક ખડૂતે અજાણતા ફ્રાન્સ સાથે જાેડાયેલી પોતાના દેશની સરહદમાં ફેરફાર કરી દીધો. આ ઘટના દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. હકીકતમાં, શખસની અજાણતા થયેલી ભૂલના કારણે ફ્રાન્સની સરહદ નાની થઈ ગઈ. પરંતુ, રસપ્રદ વાત એ છે કે, આ ઘટનાએ આંતરાષ્ટ્રીય હંગામાને બદલે બંને તરફ હાસ્યનું મોજું ફેલાવી દીધું!

બીબીસીના રિપોર્ટ મુજબ, બંને દેશોની સરહદને રેખાંકિત કરતો પથ્થર તેના સ્થાનેથી ૨.૨૯ મીટર (૭.૫ ફૂટ) ખસી ગયેલો જાેવા મળ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે, બેલ્જિયમનો આ ખેડૂત પોતાના ટ્રેક્ટરના રસ્તામાં આવતા આ પથ્થર (બોર્ડર પિલર)થી ઘણો પરેશાન રહેતો હતો, જેથી તેણે પથ્થર ઉખાડી ફ્રાન્સના વિસ્તારમાં મૂકી દીધો. બેલ્જિયમના ગામ એરક્વેલાઈન્સના મેયર ડેવિડ લાવૌક્સે ફ્રાન્સની ટીવી ચેનલ ટીએફ૧ને કહ્યું કે, ‘એ ખેડૂતે બેલ્જિયમને મોટું અને ફ્રાન્સને નાનું બનાવી દીધું.

આ સારો આઈડિયા નથી.’ તેમણે કહ્યું કે, આવા પગલાંથી જમીન માલિકોમાં વિવાદ થઈ જાય છે, આ તો પાડોશી દેશોની વાત હતી. જાણકારી મુજબ, બેલ્જિયમના ખેડૂતે જે પથ્થરને પોતાના રસ્તા પરથી હટાવ્યો છે, તે સરહદ નિર્ધારિત કરવા માટે ૧૮૧૯માં લગાવાયો હતો.

આ મામલે બેલ્જિયમના મેયરે હસતા-હસતા કહ્યું કે, ‘હું તો ખુશ હતો કેમકે મારું શહેર મોટું થઈ ગયું હતું, પરંતુ ફ્રાન્સના વિસ્તારના મેયર રાજી ન હતા.’ તો પાડોશી ફ્રાન્સના ગામના મેયર વેલોન્કે પણ મજાકના અંદાજમાં ટિપ્પણી કરી કે, ‘અમે એક નવા સરહદ યુદ્ધથી બચવામાં સફળ રહીશું.’ ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સ અને બેલ્જિયમ વચ્ચે ૬૨૦ કિમીની સરહદ છે. વોટરલૂમાં નેપોલિયનની હારના ૫ વર્ષ પછી ૧૮૨૦માં કોરટ્રિકની સંધિ બાદ આ સરહદ નિર્ધારિત થઈ હતી. બેલ્જિયમના સ્થાનિક અધિકારી ખેડૂતને પથ્થર તેની જૂની જગ્યાએ મૂકી દેવા કહેશે. જાે તે નહીં માને તો તેની સામે પગલાં લેવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.