હાવડા સુપર ફાસ્ટમાં બોગસ ટીકીટો સાથે પ૭ની ધરપકડ
(એજન્સી) અમદાવાદ, અમદાવાદથી હાવડા જતી સુપર ફાસ્ટ ટ્રેનમાં પશ્ચિમ રેલ્વે વિજીલન્સ વિભાગે તપાસ હાથ ધરતાં પ૭ જેટલા પેસેન્જરો ખોટી રીતે સીનિયર સીટીઝનના ક્વોટામાં બુક કરાયેલી ટીકીટો સાથેે તેમજ બોગસ ઈ-ટીકીટ સાથે પ્રવાસ કરતા મળી આવ્યા હતા. પશ્ચિમ રેલ્વેના ચીફ વિજીલન્સ ઈન્સ્પેક્ટર હિમાંશુ કાપડીયા અને તેમની ટીમને માહિતી મળી હતી.
જેને આધારે તપાસક રતા રિઝર્વેશન કેન્દ્ર પરથી ખોટી માહિતી સાથે બુક થયેલી સીનિયર સીટીઝન ક્વોટાની ટીકીટ પર મુસાફરી કરતા ર૪ લોકો મળી આવ્યા હતા. તેમની પાસેથી વિજીલન્સ ટીમે ર૩૬પ૦ રૂપિયા દંડ પેટે વસુલ કર્યા હતા.
એજ રીતે રિઝર્વેશન કેન્દ્ર પરથી તત્કાલ ક્વોટામાં બુક કર્યા બાદ એજન્ટોએ તેને ખોટી રીતે ઈ-ટીકીટના ફોર્મેટમાં માહિતી ભરી પેસેન્જરોને આપી હતી. જેની પર મુસાફરી કરતા ૩૩ જેટલા પેસેન્જરો મળી આવ્યા હતા. આ તમામ પેસેન્જરો પાસેથી ૩૦૦પ૦ રૂપિયા દંડ પેટે વસુલ કરાયા હતા.
બોગસ પેસેન્જરો ટીકીટ વગર મુસાફરી કરતા હોવાનું માની તેમની પાસેથી દંડ પેટે પ૩,૭૦૦ રૂપિયા વસુલ કરવામાં આવ્યા હતા. બે દિવસ પહેલાં પણ આવા ૬ર પેસેન્જર પકડાયા હતા.