પવનદીપના પર્ફોર્મન્સે અમિત કુમારનું દિલ જીતી લીધું
મુંબઈ: ઈન્ડિયન આઈડલ ૧૨નો આગામી એપિસોડ દર્શકોને વિતેલા જમાનામાં પાછા લઈ જશે. આ સિંગિંગ રિલાયલિટી શો ક્યારેય દર્શકોને અચંબિત કરવાનું ચૂકતો નથી. ત્યારે આ વખતે કિશોર કુમારને શો પર સેલિબ્રેટ કરવામાં આવશે. અહીં કિશોર કુમારના ૧૦૦ ગીતો ગાઈને તેમને યાદ કરવામાં આવશે. કિશોર કુમાર સ્પેશિયલ એપિસોડમાં તેમના પુત્ર અને સિંગર અમિત કુમાર હાજર રહેશે. શોના કન્ટેસ્ટન્ટ્સ કિશોર કુમારના એકથી એક ચડિયાતા ગીતો ગાશે.
જાે કે, પવનદીપે ફરી એકવાર પોતાના અવાજ અને સંગીતથી લોકોનું દિલ જીતી લીધું છે. પવનદીપે એટલું સરસ ગીત ગાયું કે તેનાથી ખુશ થયેલા અમિત કુમારે તેને ખાસ ભેટ આપી છે. પવનદીપે કિશોર કુમારના ગીતો ‘દિલબર મેરે’, ‘મેરે દિલ મેં આજ ક્યા હૈ’, ‘કોરા કાગઝ થા યે મન મેરા’ જેવા ગીતો ગાયા હતા. ધમાકેદાર પર્ફોર્મન્સ માટે શોના જજ અનુ મલિક, હિમેશ રેશમિયા અને નેહા કક્કડે ઊભા થઈને પવનદીપની કલાને માન આપ્યું. સાથે જ સ્પેશિયલ ગેસ્ટ અમિત કુમારે તેને જાતે ગીતો કમ્પોઝ કરવાની સોનેરી સલાહ પણ આપી.
સૌ કોઈ પવનદીપના અવાજથી ખૂબ પ્રભાવિત થયું હતું. પવનદીપના પર્ફોર્મન્સના વખાણ કરતાં અમિત કુમારે કહ્યું, “તારું હાલનું પર્ફોર્મન્સ મહાન ગાયક અને અસાધારણ ગાયક વચ્ચેનો ભેદ સમજાવે છે. તેં ‘કોરા કાગઝ’ ગીત ગાઈને મારા હૃદયને સ્પર્શી લીધું. તારા અવાજે મને સાઉન્ડમાં રહેલી પહાડી ઈફેક્ટની યાદ અપાવી. હું તારાથી એટલો પ્રભાવિત થયો છું કે હું તને મારા પિતા ધ લેજન્ડ કિશોર કુમારજીએ આપેલી ઘડિયાળ આપું છું, જે તેમણે મને મારા કરિયરની શરૂઆતમાં આપી હતી.
પવનદીપ આ ભેટ મેળવીને લાગણીશીલ થઈ ગયો હતો. આ સાથે જ અનુ મલિકે એક કિસ્સો સંભળાવતા કહ્યું, “હું અને કિશોર દા એક ગીત સાથે રેકોર્ડ કરવાના હતા. એ દિવસોમાં આટલા મહાન સિંગર પાસેથી સમય મળવો તે ખૂબ મોટી વાત હતી અને સદ્નસીબે મને સમય મળ્યો હતો. રેકોર્ડિંગના દિવસે મેં તેમને આ માટે ફોન કરીને યાદ અપાવ્યું. બાદમાં જ્યારે હું જૂહુમાં તેમના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ઘણાં લોકો ત્યાં ભેગા થયેલા હતા. મને ઝટકો લાગ્યો
હું ફટાફટ ઘરે ગયો. મેં મારી પત્નીને કહ્યું કે, મને લાગે છે કે મહાન ગાયક કિશોર કુમારજી આપણી વચ્ચે નથી રહ્યા. શોના આ વીકએન્ડ એપિસોડમાં કિશોર કુમાર સાથે સંકળાયેલા આવા ઘણાં કિસ્સા અને યાદો તાજી થશે. શોનો હોસ્ટ આદિત્ય નારાયણ પણ અમિત કુમાર પાસેથી ઘણી અજાણી વાતો કઢાવવાની કોશિશ કરશે.