યુવક દુલ્હા-દુલ્હન સાથે ફોટો ક્લિક કરતા ૩૦ લોકો સંક્રમિત
ભોપાલ: કોરોના વાયરસની બીજી લહેરે આખા દેશમાં હાહાકાર મચાવ્યો છે. હાલત એવી છે કે દર્દીઓને દાખલ કરવા માટે બેડ નથી મળી રહી. ઑક્સિજન ખૂટી પડ્યો છે. દરરોજ હજારો લોકો કોરોનાથી દમ તોડી રહ્યા છે. આખા દેશમાં કોરોનાને નાથવા માટે ખૂબ કડક નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. જાેકે, આ બધાની વચ્ચે પણ અમુક લોકો ખૂબ જ બેદરકારી દાખવી રહ્યા છે. જેના પગલે તેઓ પોતે સંક્રમિત થઈ રહ્યા છે અને બીજા લોકોને પણ સંક્રમિત કરી રહ્યા છે.
મધ્ય પ્રદેશમાં આવો જ એક કેસ સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિની ભૂલની કિંમત આખા ગામે ચૂકવવી પડી છે. વ્યક્તિએ પોતે સંક્રમિત હોવાની વાત છૂપાવી રાખી હતી અને ગામમાં આઠ દિવસ સુધી બિન્દાસ ફરતો રહ્યો હતો. ગામમાં એક લગ્ન સમારંભમાં સામેલ થયો હતો હતો. આ વાતનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ગામમાં એક બાદ એક લોકો બીમાર પડવા લાગ્યા. હાલત એવી છે કે ગામમાં એક જ દિવસમાં ૩૦ લોકો કોરોના સંક્રમિત થયા છે.
મળતી માહિતી પ્રમાણે નિવાડી જિલ્લાના લુહરગુવા ગામના એક વ્યક્તિએ પોતે કોરોના પોઝિટિવ હોવાની વાત છૂપાવી રાખી હતી. એટલું જ નહીં, તે ગામના એક લગ્ન સમારંભમાં પણ શામેલ થયો હતો અને આખા ગામમા બિન્દાસ બનીને ફરતો રહ્યો હતો. આ વ્યક્તિની બેદરકારીને પગલે ગામમાં હાલ ત્રણ ડઝનથી વધારે લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી અમુક લોકોની હાલત ગંભીર પણ છે.
તંત્રને આ અંગેની જાણકારી મળ્યા બાદ ગામને રેડ ઝોનમાં નાખી દેવામાં આવ્યું છે. હાલ ગામમાંથી બહાર જવા અને ગામમાં જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગામમાં પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. તંત્રએ ગામના લોકોને વિનંતી કરી છે કે કોઈ પણ કાળે કોઈ વ્યક્તિ ગામમાંથી બહાર ન નીકળે. ગામમાં એકા એક કોરોના બોમ્બ ફૂટી જતાં સ્વાસ્થ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઈને તપાસ કરી રહી છે. આ ઉપરાંત પોલીસે કોરોનાનું સંક્રમણ ફેલાવનાર યુવક અને તંત્રને જાણ કર્યાં વગર લગ્ન યોજનાર ત્રણ લોકો સામે કેસ દાખલ કર્યો છે.
આ બનાવ પૃથ્વીપુર પોલીસ મથક હેઠળ આવતા લુહરગુવા ગામનો છે. અહીં એક યુવકનો ૨૪ એપ્રિલ, ૨૦૨૧ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં યુવકે તેની જાણકારી કોઈને આપી ન હતી. એટલું જ નહીં કંઈ બન્યું ન હોય તેમ તે બિન્દાસ બનીને ગામમાં ફરતો રહ્યો હતો. એટલું જ નહીં, ગામમાં ૨૯મી એપ્રિલના રોજ આયોજિત લગ્ન સમારંભમાં પણ તે હાજર રહ્યો હતો. લગ્ન સમારંભ દરમિયાન આયોજિત ભોજન સમારંભમાં લોકોને ભોજન પણ પીરસ્યું હતું.
બીજા દિવસે તે જાનમાં પણ ગયો હતો. અહીં તેણે ખૂબ ડાન્સ કર્યો હતો. એટલું જ નહીં, વરમાળા બાદ સ્ટેજ પર જઈને દુલ્હા અને દુલ્હન સાથે તસવીર પણ ક્લિક કરાવી હતી. લગ્નમાંથી પરત ફર્યાં બાદ પણ તે ગામમાં આવીને ફરતો રહ્યો હતો. જે બાદમાં ગામમાં એક પછી એક લોકો બીમાર પડવા લાગ્યા હતા. બુધવારે ૬૦ લોકોની તપાસ કરવામાં આવતા તેમાંથી ૩૦ કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. આ રીતે એક યુવકની ભૂલને કારણે આખા ગામે ભોગવવનો વારો આવ્યો છે. હાલ તંત્રએ ગામને બંધ કરી દીધું છે.