અમદાવાદમાં ૨૦થી ૨૫ જૂન વચ્ચે ચોમાસુ શરૂ થાય તેવી શક્યતા
અમદાવાદ: સતત બે વર્ષથી રાજ્યમાં ચોમાસા દરમિયાન સામાન્ય કરતા ૩૦થી ૩૫ ટકા વધુ વરસાદ નોંધાયા બાદ ચાલૂ વર્ષે ફરીએક વાર રાજ્યમાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. એટલે કે આ વર્ષે રાજ્યમાં ૮૦૦ મિલીમીટરથી લઈ ૧૦૦૦ મિલીમીટર વચ્ચે વરસાદ નોંધાય તેવી શક્યતા છે.
હવામાન એક્સપર્ટના જણાવ્યા મુજબ આ વર્ષે ૨૬થી ૨૯ મે વચ્ચે કેરળમાં ચોમાસુ સક્રિય થવાની શક્યતા છે. કેરળમાં ચોમાસુ સક્રિય થયા બાદ લગભગ એક અઠવાડિયા પછી ગુજરાતમાં પ્રીમોન્સુન એક્ટિવીટી શરૂ થાય છે અને ૧૫ જૂન સુધી ચોમાસુ શરૂ થતું હોય છે. આ વર્ષે પણ નિર્ધારિત સમય મુજબ જ રાજ્યમાં ૧૫ જૂનની આસપાસ વરસાદ શરૂ થવાની સાથે અમદાવાદમાં ૨૦થી ૨૫ જૂન વચ્ચે ચોમાસુ શરૂ થવાની શક્યતા છે.
વધુમાં રાજ્યમાં સામાન્ય રીતે ૮૪૦ મિલીમીટર જેટલો વરસાદ થાય છે. તેની સામે વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦માં રાજ્યમાં સામાન્ય કરતા ૩૦થી ૩૫ ટકા વધુ વરસાદ નોંધાયો હતો. પરંતુ આ વર્ષે વરસાદ સામાન્ય રહેવાની સાથે રાજ્યમાં ૮૦૦થી ૧૦૦૦ મિલીમીટર જેટલો વરસાદ નોંધાઈ શકે છે. તેમ છતાં વાતાવરણમાં આવતા ફેરફારના કારણે ઘણીવાર અચાનક રચાતા લોપ્રેશરને કારણે પણ વરસાદમાં વધઘટ થવાની શક્યતા રહેતી હોય છે.
ઉત્તર ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે શનિવાર અને રવિવારે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટના કેટલાક ભાગોમાં તેજ પવન સાથે વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. આ સમય દરમિયાન ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને અમરેલી ખાતે વરસાદ નોંધાઈ શકે છે.
વધુમાં સુકા ગરમ પવનને કારણે ગુરુવારે રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ અને ગાંધીનગરમાં નોંધાઈ હતી જ્યાં મહત્તમ તાપમાનનો પારો ૪૨ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જ્યારે આગામી ૪થી ૫ દિવસ દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન ૪૦થી ૪૨ ડિગ્રી સુધી રહેતા દિવસ દરમિયાન લોકોને આકરી ગરમી સહન કરવી પડશે