Western Times News

Gujarati News

ગોવામાં દેશમાં સૌથી વધુ ૪૧ ટકા પોઝિટિવિટી દર

નવી દિલ્હી: દેશમાં ઓછામાં ઓછા ૧૩ રાજ્યોમાં કોરોના પોઝિટિવ રેટ ૨૧% કે તેના કરતા વધારે છે. જેમાં રાજધાની દિલ્હીનો પણ સમાવેશ થાય છે જ્યાં ૨૧ એપ્રિલથી ૪ મે વચ્ચેનો પોઝિટિવ રેટ ૩૧.૭% રહ્યો છે. આ દરમિયાન ગોવાનો પોઝિટિવ રેટ લગભગ ૪૧% રહ્યો છે જે ભારતમાં સૌથી વધુ છે. પોઝિટિવ રેટ એનાલિસિસથી ખ્યાલ આવે છે કે પુરતા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ (ટ્રિપલ ટી)ની અછત છે.

પોઝિટિવિટી રેટનો આટલો વધારો એ દર્શાવે છે કે કેસો અંડર-રિપોર્ટ થઈ રહ્યા છે અને ટેસ્ટિંગ વધારવાની જરુર છે. ઘણાં રાજ્યોમાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે, આમ છતાં કેસલોડ વધી શકે છે. માર્ચમાં જ્યાં માત્ર એક રાજ્યમાં પોઝિટિવિટી રેટ ૭%થી ઉપર હતો, ત્યારે હવે ઓછામાં ઓછા ૨૦ રાજ્યોમાં પોઝિટિવિટી રેટ સૌથી વધુ છે.

દિલ્હીમાં ૮ એપ્રિલથી ૨૧ એપ્રિલ વચ્ચે પોઝિટિવિટી રેટ ૧૯% હતો જે ૨૧ એપ્રિલથી ૪ મે વચ્ચે વધીને ૩૨% પર પહોંચી ગયો. ગોવા અને દિલ્હી સિવાય પશ્ચિમ બંગાળમાં પણ આ દરમિયાન પોઝિટિવિટી રેટ ૩૦% કરતા વધારે છે. આખા દેશની વાત કરીએ તો ૨૧ એપ્રિલથી ૪ મે વચ્ચે કોરોના પોઝિટિવિટી રેટ ૨૧% કરતા વધારે થઈ ગયો છે, જ્યારે માર્ચમાં તે ૩-૪% વચ્ચે હતો.

જાેકે, મહારાષ્ટ્રમાં સંક્રમણની ગતિ થોડી ધીમી પડી છે. અહીંનો પોઝિટિવિટી રેટ ૨૫% (૮થી ૨૧ એપ્રિલ)થી ઘટીને ૨૩% (૨૧ એપ્રિલથી ૪ મે) થયો છે. છત્તીસગઢમાં પોઝિટિવિટી રેટમાં ૧%નો ઘટાડો આવ્યો છે, પરંતુ હાલ તેની ટકાવારી ૨૮% છે.
દેશમાં નવ રાજ્યોમાં કોરોના પોઝિટિવિટી રેટ ૧૦%-૨૦% વચ્ચે છે. માત્ર આસામ અને પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં સંક્રમણનો દર ૫% કે તેનાથી ઓછો છે. પાછલા એક મહિનાની અંદર ઓડિશામાં સંક્રમણનો દર ઝડપથી ડબલ થઈ રહ્યો છે.

ભારતમાં ગુરુવારે રજૂ કરાયેલા આંકડામાં કોરોના વાયરસના કેસમાં પણ વધારો નોંધાયો છે. પાછલા ૨૪ કલાકમાં દેશમાં ૪,૧૨,૨૬૨ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૩,૯૮૦ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો વધીને ૨,૧૦,૭૭,૪૧૦ થયો છે અને મૃત્યુઆંક ૨,૩૦,૧૬૮ પર પહોંચ્યો છે. ૨૪ કલાક (બુધવારે)માં ૩,૨૯,૧૧૩ દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧૭૨૮૦૮૪૪ થાય છે. દેશમાં નવા કેસની સંખ્યા વધતા એક્ટિવ કેસનો આંકડો ૩૫ લાખને પાર કરીને ૩૫,૬૬,૩૯૮ થઈ ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.