Western Times News

Gujarati News

અનોખો પ્રયોગ, જાનૈયાને ઊંટ પર બેસાડી લઈ જવાયા

Files Photo

રાજસ્થાન: કોરોના કાળમાં સંક્રમણ રોકવા માટે કેટલાક નિયંત્રણ લાદી દેવામાં આવ્યા છે. બસમાં કુલ ક્ષમતા કરતા ૫૦ ટકા મુસાફરો ભરવાની જ છૂટ છે. લગ્ન સમારંભોમાં ૩૧થી વધુ મહેમાનો હાજરી આપી શકે નહીં એવા પણ નિયમો બનાવાયા છે. આવા પ્રસંગોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પણ ફરજિયાત છે. તંત્ર લગ્ન પ્રસંગોમાં કડક નિયમનું પાલન કરાવી રહ્યું છે.

ત્યારે રાજસ્થાનના રણ પ્રદેશમાં રહેતા સમુદાયે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે જાન લઈ જવા ઊંટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. મહેમાનોને પણ ઊંટના માધ્યમથી સમારંભના સ્થળે લઈ જવાય છે. ઊંટ પર જાન લઈ જવાની તેમની જૂની પરંપરા કામ આવી રહી છે. ૩૦ એપ્રિલના રોજ પોખરણના બાંદેવા ગામથી ૭ કિમી દૂર બારમેરના કુસુમ્બલા ખાતે જાનૈયાઓ ઊંટ પર ગયા હતા. આ સમારંભ અંગે વરરાજાના સંબંધી આનંદસિંહે કહ્યું, હા, આને સૈકા જૂની પરંપરાનું પુનર્જીવિત થવું કહી શકાય. મહેમાનોને દુલ્હનના ઘરે પહોંચવામાં લગભગ એક કલાકનો સમય લાગ્યો હતો.

પરંતુ તે ૬૦ મિનિટ ખૂબ આકર્ષક હતી. કારણ કે, અમારી પર ખુલ્લું આકાશ હતું, જ્યારે નીચે રેતી ફેલાયેલી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે, અમે કુલ ૩૧ જાનૈયા હતા. દરેકને કુલ ૧૫ ઊંટ પર બેસાડયા હતા. આ દરમિયાન કોરોનાના નિયમોનું પાલન થયું હતું. આ ર્નિણયથી મહેમાનોને ૭૦નો દાયકો ફરી યાદ આવી ગયો. તેમણે દરેક પળને માણી હતી. આ પ્રસંગ માટે ઊંટને પણ શણગાર કરાયો હતો. ઊંટને નાકમાં પિન, ઝાંઝર, આભલા જડિત કપડાં સહિતનો શણગાર કરવામાં આવ્યો હતો.

આ ર્નિણયને કારણે સમાજમાં સકારાત્મક સંદેશો પહોંચ્યો છે. હવે વધુને વધુ લોકો લગ્ન પ્રસંગમાં જાનૈયાઓને દુલ્હનને ત્યાં લઈ જવા ઊંટનો ઉપયોગ કરવા આગળ આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઊંટની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. રાજસ્થાન સરકાર દ્વારા હાથ ધરાયેલી ૨૦મી પશુધન ગણતરી મુજબ ૨૦૧૨માં ઊંટની સંખ્યા ૩,૨૫,૭૧૩થી ઘટીને હવે ૨,૧૨,૭૩૯ થઈ જવા પામી છે.

લોકહિત પશુ પાલક સંસ્થાનના ડિરેક્ટર હનવન્ત સિંઘ રાઠોરે  જણાવ્યું હતું કે, આ પ્રાણીઓમાં કોઈને નફો ન દેખાતો હોવાથી યુવાનોને તેમની કાળજીમાં રસ નથી. કાર, જીપ સહિતના ટ્રાન્સપોર્ટેશનના નવા વિકલ્પ પણ મળ્યા છે. જેણે ઊંટનું સ્થાન લઈ લીધું છે. અત્યારે જાનૈયાઓને ઊંટ ઉપર લઈ જવાના ચલણના કારણે રણના જહાજ સમાન ઊંટના પાલનને વેગ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.