આયોજનના અભાવે રસીકરણ કેન્દ્રો બહાર ભીડ જામતા કોરોના સંક્રમણનો ભય
રસીકરણ કેન્દ્ર ની સંખ્યા વધારવાની જરૂરિયાત : રસીના બીજા ડોઝ માટે વયસ્કોની દોડધામ.
બીજા ડોઝ માટે પ્રાથમિકતા આપવાની માંગ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચમાં કોરોના વેક્સિન માટે લોકો વેકસીનેટર સેન્ટરો પર મોટી સંખ્યા માં ઉમટી રહ્યા છે જેનાથી કોરોના સંક્રમણનો ભય ઉભો થઈ રહ્યો છે.તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવે તે જરૂરી છે.
કોરોના ની બીજી લહેર ભારે ઘાતક નીવડી રહી છે હોસ્પિટલો ફૂલ થઈ જવા સાથે બેડ,ઓક્સિજન અને ઈન્જેક્શન માટે લોકો વલખા મારી રહ્યા છે.કેટલાયે પરિવારો એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે.
જેથી કોરોના વેકસીનેશન પ્રત્યે ની શરૂઆતી નિરસતા બાદ હવે લોકો માં રસી મુકાવવા નો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તે દરમ્યાન સરકાર દ્વારા ૧૮ વર્ષ થી ઉપરના તમામને રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.પણ રસીનો જથ્થો પૂરતા પ્રમાણ માં ન હોવાથી કહેવા ખાતર બે ત્રણ સેન્ટરો પર રસીકરણ ચાલી રહ્યું છે.૧૮ વર્ષ થી વધુ ઉંમરના લોકો માટે તેમજ વયસ્કો માટે રસી કરણ કેન્દ્રો અલગ છે પણ તેની સંખ્યા ખૂબ ઓછી છે.તે ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં રૂપિયા ચૂકવી રસી મેળવી શકાતી હતી તે સુવિધા પણ બંધ થઈ છે.
જેથી એક ડોઝ લેનાર વયસ્કો માટે ભારે હાલાકી સર્જાઈ રહી છે.યોગ્ય માહિતી અને વેકસિન ના અભાવે એક થી બીજા સ્થળે વયસ્કો બીજા ડોઝ માટે દોડધામ કરી રહ્યા છે.રસી મેળવવા માટે રસીકરણ કેન્દ્રો પર વહેલી સવાર થી જ લાઈનો પડી રહી છે.જેથી ખૂબ મોટી સંખ્યા માં લોકો રસીકરણ કેન્દ્રો પર ઉમટી રહ્યા છે.
એક તરફ તંત્ર લોકોને મોટી માત્રામાં એકત્ર ન થવા માટે અપીલ કરી છે પરંતુ વેક્સિંન લેવા માટે લોકોની સવારથી જ કતારો જામી રહી છે.જેથી રસી લેવાની લ્હાય માં કોરોના સંક્રમિત થવાનો ભય પણ સતાવી રહ્યો છે.આવા સમયે કોરોના વેક્સિન માટે પણ સરકારની કોરોના ગાઈડ લાઈનનું પાલન થાય તેવા પ્રયાસો તંત્ર દ્વારા કરવાની જરૂર છે.
યોગ્ય સંખ્યા માં રસીકરણ કેન્દ્રો કાર્યરત કરવા અને રસી નો જથ્થો પણ પૂરતા પ્રમાણ માં ઉપલબ્ધ કરાવવામાં આવે તે જરૂરી છે.સાથે સાથે રસી નો બીજો ડોઝ જ લોકો ને લેવાનો સમય થઈ ગયો હોય તેમને પ્રાથમિકતા આપવામાં આવે તે માટે નું આયોજન કરવાની આવશ્યકતા જણાઈ રહી છે.નહિ તો કોરોના સામે ની લડાઈ હજુ વધુ લંબાતી જ રહેશે.