ચૂંટણી પંચમાં તાત્કાલિક મોટા સુધારા કરવા ખૂબ જરૂરીઃ મમતા
કોલકત્તા: ઃ પશ્ચિમ બંગાળમાં આજે નવી વિધાનસભાનુ પહેલુ સત્ર બોલાવવામાં આવ્યુ છે. વિધાનસભામાં બોલતી વખતે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર, ભાજપ અને ચૂંટણી પંચ પર ઘણા પ્રકારના સવાલ ઉઠાવ્યા છે. મમતા બેનર્જીએ બંગાળ ચૂંટણીમાં ઈલેક્શન કમિશનના રોલ પર સવાલ ઉઠાવીને કહ્યુ કે આ સંસ્થાથી બચવુ હોય તો તાત્કાલિક આમાં મોટા સુધારા કરવામાં આવે,
જાે આવુ નહિ થાય તો લોકોનો વિશ્વાસ ચૂંટણી પંચ પરથી ઉઠી જશે. વિધાનસભામાં મમતા બેનર્જીએ કહ્યુ, ચૂંટણીમાં યુવા પેઢીએ અમને વોટ આપ્યા છે. એ અમારા માટે નવી સવાર છે. ટીએમસીને જબરદસ્ત રીતે બહુમત આપીને લોકોએ સત્તામાં ફરીથી ચૂંટી છે. આ ઐતિહાસિક છે. આનુ કારણ બંગાળની જનતા અને મહિલાઓ હતા. બેનર્જીએ કહ્યુ કે બંગાળ એક મજબૂત ઢાંચો ધરાવતુ રાજ્ય છે અને એ ક્યારેય ઝૂકતો નથી. અહીં કેન્દ્ર અને ભાજપે ષડયંત્રો કર્યા, બધા કેન્દ્રીય મંત્રી આવ્યા. મને ખબર નથી કે તેમણે વિમાનો અને હોટલો પર કેટલા કરોડ રૂપિયા ખર્ચ કર્યા. અહીં પાણીની જેમ ભાજપે પૈસા વેર્યા.
ટીએમસી પ્રમુખે કહ્યુ કે બંગાળ સાથે આટલો ભેદભાવ ભાજપ કેમ કરી રહ્યુ છે એ સમજની પરે છે. શપથગ્રહણના ૨૪ કલાકની અંદર તેમણે એક કેન્દ્રીય ટીમ અહીં મોકલી દીધી, કહ્યુ કે અહીં હિંસા થઈ રહી છે. વાસ્તવમાં ભાજપ પરિણામોને પચાવી શક્યુ નથી. જનતાના જનાદેશને માનવા માટે તે તૈયાર નથી.
મે ક્યારેય હિંસાનુ સમર્થન નથી કર્યુ. અમે બધા પગલાં લીધા છે. ભાજપના લોકો હિંસાના નકલી સમાચારો અને નકલી વીડિયો ફેલાવી રહ્યા છે. કોરોના વેક્સીન પર બોલતા મમતા બેનર્જીએ કહ્યુ કે કેન્દ્ર માટે બધાને ફ્રી વેક્સીન આપવી કોઈ બહુ મોટુ કામ નથી. કેન્દ્ર સરકાર માટે ૩૦,૦૦૦ કરોડ રૂપિયા કંઈ નથી. આખા દેશમાં એક વેક્સીન કાર્યક્રમ હોવો જાેઈએ પરંતુ તે આ મહામારી માટે ગંભીર નથી દેખાઈ રહ્યા.