મુશ્કેલ ઘડીમાં અમે ભારત સાથે છીએ અને તેની મદદ કરીશુ : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ
વોશિંગ્ટન: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કોરોના મહામારી સામે જંગમાં ભારતને દરેક શક્ય મદદ કરવાનો ભરોસો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આ મુશ્કેલ ઘડીમાં અમે ભારત સાથે છીએ અને તેની મદદ કરીશું. હેરિસે ભારતના યોગદાનને યાદ કરતા કહ્યું કે મહામારીની શરૂઆતમાં ભારતે અમેરિકાની મદદ કરી હતી, હવે અમે ભારતની મદદ માટે તેના પડખે છીએ. અત્રે જણાવવાનું કે આ ઘડીમાં ભારતની મદદ માટે આખી દુનિયામાંથી મદદના ધોધ વહી રહ્યા છે.
કમલા હેરિસે કહ્યું કે ભારતની જે સ્થિતિ છે તે હ્રદય દુખાડનારી છે. ભારત અમારું મહત્વપૂર્ણ સહયોગી છે અને ત્યાં સ્થિતિ સામાન્ય કરવા માટે અમે દરેક શક્ય મદદ કરીશું. કોરોના સામે લડતમાં ભારતના યોગદાનને બિરદાવતા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે મહામારીની શરૂઆતમાં, જ્યારે અમારી હોસ્પિટલમાં બેડ ઓછા પડવા માડ્યા હતા ત્યારે ભારતે સહાયતા મોકલી હતી. આજે અમે જરૂરિયાતના સમયે તેની મદદ માટે દ્રઢ છીએ.
હેરિસે કહ્યું કે અમે એશિયન ક્વાડના સભ્યોના રૂપમાં વૈશ્વિક સમુદાયના હિસ્સાના રૂપમાં અને ભારતના મિત્ર તરીકે તેને મદદ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે જાે આપણે બધા આ રીતે મળીને કામ કરતા રહીશું તો આ મુશ્કેલીમાંથી પણ જલદી બહાર નીકળી જઈશું. ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે અમેરિકાએ ભારતને રિફિલ કરવા યોગ્ય ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન કન્સેન્ટ્રેટર અને એન૯૫ માસ્ક ઉપલબ્ધ કરાવ્યા છે અને આગળ પણ કરાવતા રહીશું.
અમેરિકી ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે કોરોનાના દર્દીઓની સારવાર માટે અમે ભારતને રેમડેસિવિર ઈન્જેક્શન મોકલ્યા છે અને ભવિષ્યમાં પણ યથાસંભવ મદદ મોકલતા રહીશું. કમલા હેરિસે કહ્યું કે ૨૬ એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ જાે બાઈડેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી અને ૩૦ એપ્રિલ સુધીમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના સૈન્ય સભ્ય અને નાગરિક ત્યાં રાહત આપી રહ્યા હતા.
રસી મુદ્દે બોલતા હેરિસે કહ્યું કે ભારત અને અન્ય દેશોના રસીકરણમાં ઝડપ લાવવામં મદદ કરવા અમે કોવિડ-૧૯ રસી પર પેટન્ટને સસ્પેન્ડ કરવા માટે પૂર્ણ સમર્થનની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકામાં દુનિયામાં સૌથી વધુ કોરોના કેસ છે. જાે કે અમે માનીએ છીએ કે આ લડત કોઈ એક દેશની નથી પરંતુ આખી દુનિયાએ સાથે મળીને લડવું પડશે.