પ્રેમ દરવાજા નજીક મેડીકલ સ્ટોરમાંથી ૩૪ ગેરકાયદેસર રેમડેસિવિર ઝડપાયા
(પ્રતિનિધિ) અમદાવાદ, હાલમાં ચાલી રહેલી રેમડેસિવીર ઈન્જેકશનોની કાળા બજારીને નાથવા માટે ક્રાઈમબ્રાંચ સક્રીય થઈ છે અને કેટલાય શખ્સોને ઝડપી લીધા છે તેમ છતાં રૂપિયા બનાવવાની લાલચે હજુય કેટલાય ઈસમો આ ધંધો કરી રહયા છે ત્યારે ક્રાઈમબ્રાંચની એક ટીમે ગેરકાયદેસર રીતે રેમડેસિવિર વેચતા બે શખ્સોને ઝડપીને ૩૪ ઈન્જેકશનો જપ્ત કર્યાં છે.
આ ઘટનાની વિગત એવી છે કે ક્રાઈમબ્રાંચના પીઆઈ એચ.એમ વ્યાસને પ્રેમદરવાજા નજીક આવેલી મેડીકલની દુકાનમાં રેમડેસિવીર ઈન્જેકશનોની કાળાબજારી થતી હોવાની બાતમી મળી હતી જેને પગલે તેમણે ટીમ સાથે આનંદ મેડીસીન્સ (કેળાવાળુ ડહેલુ, પ્રેમદરવાજા) ખાતે દરોડો પાડયો હતો અને તે દુકાન તથા નજીક જ આવેલી ઓફીસની તપાસ કરતાં
ત્યાંથી ૩૪ રેમડેસિવિર ઈન્જેકશન મળી આવ્યા હતા. દુકાનના માલિકો ચિરાગ નરેશભાઈ શાહ (સોલા), સંદીપ મહેતા (ઉસ્માનપુરા) અને જયેશ ભાવસાર (નિકોલ) આ અંગે કોઈ ખુલાસો આપી શકયા ન હતા જેથી પોલીસે તમામ ઈન્જેકશન કબ્જે કરીને ત્રણે માલિકો વિરુધ્ધ ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.