Western Times News

Gujarati News

સુરતમાં કેસ ઘટતા સરકારી હોસ્પિ.ના ૬૫% બેડ ખાલી

સુરત, રાજ્યભરમાં કોરોના કોહરામ મચાવી રહ્યો છે ત્યારે સુરતના આંકડા રાહત આપે તેવા છે. એક સમયે અહીં દરરોજ બે હજાર જેટલા નવા કેસ નોંધાતા હતા, જે આંકડો ઘટીને ૧૦૦૦ સુધી પહોંચ્યો છે. મે મહિનાની શરૂઆતમાં કોરોના સામેની લડતમાં તંત્રને આંશિક સફળતા મળી હોય તેમ જણાઈ રહ્યું છે.

આ સિવાય કોરોનાને હરાવીને ઘરે પાછા ફરનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો જાેવા મળ્યો છે. કેસની સંખ્યામાં ઘટાડો થવાને કારણે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ૬૫ ટકા બેડ ખાલી થઈ ગયા છે. શનિવારની વાત કરીએ તો સત્તાવાર આંકડા અનુસાર, કોરોનાના કુલ ૧૧૬૨ કેસ નોંધાયા હતા અને ૧૨ના મોત થયા હતા.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ઓક્સિજન અને વેન્ટીલેટરના અભાવને કારણે અનેક ખાનગી હોસ્પિટલો સહિત સિવિલ અને સ્મિમેરના દરવાજા કોરોનાના દર્દીઓ માટે બંધ કરી દેવાની નોબત આવી હતી. પરંતુ અત્યારે સિવિલમાં ૧૫૧૮ બેડની સંખ્યા સામે ૫૬૪ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે

જ્યારે સ્મિમેર હોસ્પિટલમાં ૯૪૧ બેડની સંખ્યા સામે ૩૪૪ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સુરતમાં આ મહામારી પર નિયંત્રણ લાવવામાં તંત્રની આંશિક સફળતા આ આંકડાઓ પરથી જણાઈ રહી છે. દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા તેની સીધી અસર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા પર પણ જાેવા મળી રહી છે.

ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં જણાવવામાં આવ્યુ હતું કે છેલ્લા આઠ દિવસમાં સુરત શહેરના તમામ વોર્ડમાં આવેલા કુલ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા ઘટીને ૭૭૨ પર પહોંચી ચુકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.