મીઠા ભરેલી ઓવરલોડ ટ્રકોને કારણે જંબુસરની જનતા હેરાન પરેશાન
(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર માંથી મીઠા ભરેલી ઓવરલોડ ટ્રકો પસાર થાય છે અને તેનું મીઠું રોડ પર ઢોળાય છેજેને લઈ વાહન ચાલકો રાહદારીઓ તથા રસ્તાઓને નુકસાન કરતું હોય લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.પોલીસ તંત્ર પણ આંખ આડા કાન કરતી હોય તેમ ઓવરલોડ ટ્રકો તેમના નાક નીચેથી પસાર થાય છે.
જંબુસર તાલુકાના દરિયા કાંઠાના ગામોમાં મોટા પ્રમાણમાં મીઠા ઉદ્યોગ વિકાસ પામ્યો છે અને મીઠા ઉદ્યોગનુ હબ ગણાય છે.મીઠાના અગરો માંથી મીઠાની ટ્રકો ભરાય જંબુસર શહેરના મુખ્ય માર્ગો પિષાદ મહાદેવથી ટંકારી ભાગોળ ડેપો સર્કલ થઈ પ્લાઝા હોટલ સુધીના માર્ગો પરથી પસાર થાય છે.
આ તમામ રસ્તાઓ પરથી પસાર થતી ટ્રકો ઓવરલોડ ઢાંક્યા વગરની પસાર થતી હોય છે જેને લઈ આ રોડ પર મોટા પ્રમાણમાં મીઠું ઢોળાય છે.આ ઢોળાયેલા મીઠાના કારણે વાહનચાલકોને મુશ્કેલી માં મુકે છે અકસ્માતોના બનાવો બને છે.ઢોળાયેલી મીઠાની રજકણને લઈ રાહદારીઓને શારીરિક નુકસાન કરે છે.
જેને લઇ જંબુસર શહેર સહિતની તાલુકાની જનતા ભારે મુશ્કેલીમાં મુકાય છે તથા રોડ રસ્તાનું આયુષ્ય પણ ઘટાડી રોડને નુકશાન કરે છે.આ તમામ બાબતોને લઈ વારંવાર તંત્રને રજુઆતો પણ કરવામાં આવતી હોય છે.તેમ છતાંય તંત્રના પેટનું પાણી હાલતું નથી મીઠા ઉદ્યોગકારો તથા ગાડી માલિકો પોતાનું પેટિયું રળવા જનતાની પરવા કરતા નથી અને તેઓ મનમાની કરી મીઠુ ઓવરલોડ તથા ઢાંક્યા વગર ટ્રકો લઈ જાય છે.
જંબુસરના ટંકારી ભાગોળ તથા ડેપો પાસે પોલીસ જવાનોના પોઈન્ટ હોવા છતાંય તેમના નાક નીચેથી આ ઓવરલોડ મીઠા ભરેલી ટ્રકો પસાર થતી હોય છે તેમ છતાંય પોલીસ તંત્ર આંખ આડા કાન કરતા હોય છે.વહેલી તકે ઓવરલોડ મીઠા ભરેલી ટ્રકો પર તંત્ર કાર્યવાહી કરે તેમ જનતા ઈચ્છી રહી છે.