કેન્દ્રીય મંત્રીએ આંગણવાડી કાર્યકરોને ગાંધીનગર ખાતે સ્માર્ટફોન વિતરણ કર્યા
કેન્દ્ર સરકારની ક્રાંતિકારી યોજનાઓના માધ્યમથી મહિલાઓના સ્વાસ્થ્ય અને બાળકોના પાલન પોષણ ક્ષેત્રે ઉત્સાહજનક પરિણામો મળી રહ્યાં છે : શ્રીમતી સ્મૃતિ ઈરાની
સ્માર્ટ ફોન એ માત્ર ડિવાઈસ નથી પરંતુ તે એક બહેનનું ભવિષ્ય સુધારવા તરફનું મદદરૂપ પગલું છે : શ્રીમતી સ્મૃતિ ઈરાની
ગાંધીનગર, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની ક્રાંતિકારી યોજનાઓના માધ્યમથી મહિલાઓના સ્વાસ્થ્ય અને બાળકોના પાલન પોષણ ક્ષેત્રે ઉત્સાહજનક પરિણામો મળી રહ્યાં છે. આજે ગાંધીનગરમાં રાજય સરકાર દ્વારા આયોજીત પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી કાર્યકરોને સ્માર્ટ ફોન આપવાના કાર્યક્રમમાં શ્રીમતી ઈરાની બોલી રહ્યા હતા.
ઉપસ્થિત આંગણવાડીની બહેનોને સંબોધતા તેમણે કહ્યું કે ભારતના ઈતિહાસમાં લગભગ એવુ પ્રથમવાર બન્યું હશે કે એક પુરૂષ પ્રધાનમંત્રીએ મહિલાઓના સ્વાસ્થ્ય અને બાળકોના પોષણની આટલા મોટાપાયે ચિંતા કરી હોય.
રાજ્ય સરકારની ICDS-CAS ટેકનોલોજીથી સજ્જ સ્માર્ટ ફોન આંગણવાડીની બહેનોને આપવાની પહેલને બિરદાવતા એમણે કહ્યું કે સ્માર્ટ ફોન એ માત્ર ડિવાઈસ નથી પરંતુ તે એક બાળક્નું ભવિષ્ય અને એક બહેનનું ભવિષ્ય સુધારવા તરફનું મદદરૂપ પગલું છે.
કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં શ્રીમતી ઈરાનીએ “વ્હાલી દિકરી” યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રનું વિતરણ પણ કર્યુ હતું. એમણે જણાવ્યું કે આંગણવાડીની કાર્યકર બહેનો દરરોજ સમાજ પ્રત્યે સમર્પિત ભાવનાથી સેવા કરે છે. તેમના આ કામને બિરદાવવા ભારત સરકારે પહેલીવાર દુરદર્શનના માધ્યમથી નાની જાહેરાત દ્વારા દેશની જનતાને અપીલ કરી છે કે તમને તમારા ગામ કે શહેરમાં કોઈ આંગણવાડી દીદી કે બહેન દેખાય તો થોડો સમય કાઢી તેમને ધન્યવાદ કહો.
શ્રીમતી ઈરાનીએ જણાવ્યું કે ભારત સરકાર દ્વારા આંગણવાડી બહેનોને તેમના ઉત્કૃષ્ટ કાર્યોના લીધે રૂપિયા 22 કરોડના ઈનામો આપવામાં આવ્યા છે. શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યું કે સ્માર્ટ ફોન દ્વારા આંગણવાડી કાર્યકરો પણ સ્માર્ટ બનશે. “વ્હાલી દિકરી” યોજના અંગે જણાવતા કહ્યું કે આ યોજના અંતર્ગત દિકરી જયારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે 4000 રૂપિયા, દિકરી જયારે નવમા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે 6000 રૂપિયા અને દિકરી જયારે 18 વર્ષની થાય ત્યારે તેના ઉચ્ચ અભ્યાસ અર્થે તથા લગ્ન માટે રૂપિયા 1,00,000/- ની આર્થિક સહાય ગુજરાત સરકાર દ્વારા લાભાર્થીને મળશે.
કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને મહિલા અગ્રણીઓ ઉપરાંત બાળ આયોગના અધ્યક્ષા શ્રીમતી જાગૃતિબેન પંડ્યા તેમજ મહિલા અયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન આંકોલિયા ઉપસ્થિત રહ્યાં હતા.