અદાણી ગ્રુપ દ્વારા વિદેશથી વિશાળ ક્રાયોજેનિક ટેંકો મંગાવામાં આવી
ટેંકો દેશમાં ૮૪૦ લિક્વિડ ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ધરાવે છે
અમદાવાદ, અદાણી ગ્રુપ દ્વારા પોતાના તમામ રિસોર્સ- જેવા કે પોર્ટ, એરપોર્ટથી પોતાના સ્ટાફ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મેડિકલ ઓક્સિજન અને ક્રાયોજેનિક ટેંક્સ પાછળ લગાવ્યા છે. અદાણી દ્વારા અત્યાર સુધીમાં વિશાળ ૫૧ ક્રાયોજેનિક ટેંક ખરીદવામાં આવી છે કે જે, આખા દેશમાં ૮૪૦ ટન લિક્વિડ ઓક્સિજનના વહનની ક્ષમતા ધરાવે છે.
કોરોના વાયરસ મહામારીની ભારતમાં બીજી લહેર આવ્યા બાદથી અદાણી ગ્રુપ દ્વારા સરકારને કોરોના સામે લડવા માટે મદદ માટે બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે, હાલ દેશમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે જેના કારણે દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે
આવી સ્થિતિમાં દેશના નાગરિકોને મદદ મળે તે માટે ગ્રુપ આગળ આવ્યું છે. અદાણી ગ્રુપના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ક્રાયોજેનિક ટેંક ગ્રુપના મુદ્રા પોર્ટ દ્વારા લાવવામાં આવી રહ્યા છે. આ સિવાય ઈન્ડિયન એરફોર્સ દ્વાર અન્ય ટેંક એરલિફ્ટ કરીને દેશમાં લાવવામાં આવી રહી છે, વિશાળ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આ કપરા સમયમાં મહત્વના ઓપરેશન પાર પાડી રહ્યા છે. અદાણી ગ્રુપ દ્વારા ૫,૦૦૦ જેટલા મેડિકલ ગ્રેડ ઓક્સિજન સિલિન્ડર્સ પણ સાઉદી અરેબિયાથી મંગાવવામાં આવ્યા છે.
આ ગ્રુપ દ્વારા અમદાવાદમાં આવેલી અદાણી વિદ્યા મંદિર સ્કૂલના કેમ્પસમાં કોવિડ કેર સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે. અદાણી ગ્રુપ દ્વારા આ ઉપરાંત ઓક્સિજન જનરેટર પ્લાન્ટ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
જેમાંથી ૧૬ પોતાની રીતે કાર્યરત ઓક્સિજન પ્લાન્ટ્સ અને ૩૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની કામગીરી આગામી થોડા દિવસમાં પૂરા પાડવામાં આવશે. પ્રવક્તા દ્વારા જણાવ્યા પ્રમાણે આ સિવાય ગ્રુપ દ્વારા હજારોની સંખ્યામાં મેડિકલ ઓક્સિજન સિલિન્ડર્સની અલગ-અલગ રાજ્યોના જિલ્લાઓમાં વહેંચણી કરવાની સાથે રિફિલિંગનું કામ પણ કરવામાં આવે છે.
ગુજરાતમાં હવે કોરોનાને હરાવીને સાજા થઈ રહેલા દર્દીની સંખ્યામાં વધારો થતાં રાહતના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૧,૮૯૨ કેસો નોંધાયા છે અને સામે ૧૪,૭૩૭ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ ૧૧૯ દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક ૮૨૭૩ પર પહોંચ્યો છે.