ઓનલાઈન રજીસ્ટ્રેશનને કારણે જંબુસર તાલુકા બહારની જનતાને રસીકરણનો લાભ જ્યારે સ્થાનિક વંચિત
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: હાલ કોરોના મહામારીમાં સરકાર દ્વારા અઢાર ઉપરના વ્યક્તિઓને રસીકરણનો લાભ મળે અને રક્ષણ મળે તેવા આશયથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી રસી મુકાવવામાં આવે છે.આ રસીકરણનો લાભ જંબુસરની જનતાને મળી રહે તે માટે રેસ્ટ હાઉસ ખાતે રસીકરણ કેન્દ્ર શરુ કરવામાં આવ્યુ છે.પરંતુ આ કેન્દ્રનો લાભ જંબુસર પંથકની જનતા સિવાય અન્ય તાલુકાની જનતા મોટા પ્રમાણમાં લેતી હોય પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા તથા નગર અગ્રણી ભાવેશભાઈ રામી દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામાં આવી હતી.
કોરોનાની બીજી લહેરે ભયાનક પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે ઠેર ઠેર કેસોની સંખ્યા પણ વધુ જોવા મળે છે.ખાનગી દવાખાના લેબોરેટરીમાં પણ તાવ શરદી ખાંસીના લક્ષણો ધરાવતા દર્દીઓની લાંબી કતારો હોય છે.સરકાર પણ આ બાબતે ચિંતિત છે વહેલી તકે કોરોના કાબૂમાં આવે તેવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.પહેલી મેથી રાજ્ય સરકાર દ્વારા અઢાર વર્ષ થી ચુંમાલીસ વર્ષ ની તમામ વ્યક્તિઓ માટે કોરોના રસીકરણ અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.વધુને વધુ વ્યક્તિઓ કોરોના રસીકરણનો લાભ લે તેવા પ્રયત્નો હાથ ધરાયા છે.અઢાર વર્ષથી ઉપરની વ્યક્તિઓએ રસીકરણ કરાવવા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડતું હોય છે
આ રસીકરણનો જંબુસર પંથકની તમામ જનતા લાભ લે તે માટે રેસ્ટ હાઉસ ખાતે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.આ કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં લોકો લાંબી કતારો લગાવી રાખી કારણ નો લાભ લઇ રહ્યા છે.પરંતુ જંબુસર પંથકની મોટાભાગની જનતાને આ કેન્દ્રનો લાભ મળતો નથી જ્યારે તાલુકા જિલ્લા બહારની જનતા જંબુસર કેન્દ્ર ખાતે રસીકરણ કરાવવા આવતા હોય છે.જ્યારે પણ જંબુસરની જનતા ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથધરે છે.ત્યારે લોકેશન બતાવતું નથી કયા સમયે આ લોકેશનની પ્રક્રિયા કરવી તે અંગે અવઢવ હોય છે યુવાનો થાકી હારી ગયા છે.જેને લઈ જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણભાઇ મકવાણા તથા નગરપાલીકા પ્રમુખ ભાવનાબેન રામીને રજૂઆતો મળતા તેઓએ રસીકરણ કેન્દ્રની મુલાકાત લેતા જંબુસર તાલુકા જિલ્લા બહારના વ્યક્તિઓ રસીકરણનો લાભ લેતા નજરે પડ્યા હતા.
આ રસીકરણ કેન્દ્રની જંબુસર પંથકની જનતાને લાભના મળતાપેલી કહેવત જેવું ઘરના છોકરા ઘંટી ચાટે ને પારકાને લોટ ફાકે એવી સ્થિતિ હતી.આ અંગે કિરણભાઈ મકવાણાએ જિલ્લા તથા ગુજરાત રાજ્ય ડાયરેકટર પંડ્યાને ટેલિફોનિક રજૂઆતો કરી વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ આવે અને જંબુસર પંથકની જનતા આ રસીકરણ કેન્દ્રનો લાભ લે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગ કરી હતી.તો જંબુસર રસીકરણ કેન્દ્રની ડબ્લ્યુએચઓના ડોક્ટર પુરવા અમીને મુલાકાત લઈ જરુરી માહિતિ મેળવી ઉપસ્થિત સ્ટાફ ને સુચનો કર્યા હતા.