Western Times News

Gujarati News

સાયબર ફ્રોડથી બચો-તમારી કોઈ પણ માહિતી અજાણ્યા કોલરને ન આપો

ક્રિમિનલ મગજના લોકો નવી નવી યુક્તિઓ અજમાવતા જ રહેશે આપણે સંયમ રાખી અને ચાલવું અને ક્યાય ખોટા ડરી અને પૈસા ન આપી દેવા.

ગુગલમાં ઓનલાઇન વર્ક ફ્રોમ હોમ અથવા ડેટા એન્ટ્રી વર્ક સર્ચ કરશો એટલે ઘણીબધી વેબસાઈટ ખુલી જશે

જેમ જેમ સોશ્યિલ મીડિયાનો વ્યાપ વધ્યો એની સાથે સાથે ઘણાબધા દુષણ પણ આવ્યા, આ સાયબર ક્રાઈમમાં ઘણીબધી રીતે લોકોને ફસાવવામાં આવે છે. જેમાં મોટાભાગે ફસાય ગયા પછી ક્રિમિનલની આર્થિક માગણીઓ હોય છે. છેલ્લા દિવસ દરમિયાન ભારતમાં સાયબર ક્રાઇમની સંખ્યા ઘણી બધી વધી રહી છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં 2018માં સાઇબર ક્રાઇમના કેસની સંખ્યા 28,248 હતી જે 2019માં વધીને 44,546 થઈ ગઈ એટલે જોવા જઈએ તો 1 વર્ષમાં આમાં 63%નો વધારો થયો.આ ક્રાઈમ વધવાના ઘણા બધા કારણો છે જેમકે લોકોમાં જાગૃતતાનું ઓછું પ્રમાણ, ઓછી મહેનતએ વધારે કમાવવાની લાલસા વગેરે. ભારતમાં ક્યાં પ્રકારના સાયબર ક્રાઈમ નજીકના ભૂતકાળમાં વધારે પડતા જોવા મળ્યા એ વિગતે જોઈશું.

હાલમાં કોરોના કાળ દરમિયાન ઘણા બધા લોકોની નોકરીઓ જતી રહી જેના લીધે લોકો આવકનું કંઈક સાધન ગોતવા માટે ઓનલાઇન કામની ખોજમાં નીકળ્યા. આજે તમે ગુગલમાં ઓનલાઇન વર્ક ફ્રોમ હોમ અથવા ડેટા એન્ટ્રી વર્ક સર્ચ કરશો એટલે ઘણીબધી વેબસાઈટ ખુલી જશે તમારી સામે.

હવે આમાં કોઈ વ્યક્તિ કેવી રીતે ફસાય તે વાત કરીયે. તમે એ વેબસાઈટમાં લોગ ઈન થશો એટલે તમને જેન્યુન વેબસાઈટની જેમ તમારી ડિટેયલ ભરવાનું કહેશે જેમાં નામ,ફોન નંબર, ઇમેઇલ જેવી સમાન્ય માહિતીઓ હશે જે ફીલ કર્યા બાદ થોડી જ વારમાં તમને એના પ્રતિનિધિનો ફોન આવશે એમાં તમને સમજાવવામાં આવશે કે તમે મહિને 50000 જેવી મોટી રકમ ઘરે બેઠા કમાઈ શકશો વગેરે વગેરે.

આવી બધી લાલચો આપ્યા બાદ તમને કહેશે કે આના માટે તમારે એક ફોર્મ ફીલ કરી અને સાઈન કરી કંપનીને મોકલવાનું રહશે એની લિંક એ લોકો તમને મોકલશે જેમાં તમારી વિગત સાથે કેન્સલ ચેકની કોપી, તમારો પાસપોર્ટ ફોટો,ડિજિટલ સાઈન વગેરે અપલોડ કરવાનું કહેશે.

ત્યાર બાદ તમને કામ પણ આપવામાં આવશે ઉદાહરણ તરીકે 1000 ફોર્મ તમારે 12 દિવસમાં ભરી અને કંપનીને મોકલી આપવાના જેમાં 90% એક્યુરેસી હોવી જોઈએ એવુ કહેવામાં આવશે. જેવા તમે એ 1000 ફોર્મ મોકલશો તેના બીજા કા ત્રીજા દિવસે તમને એનો મેઈલ આવશે કે ફોન દ્વારા જાણ કરવામાં આવશે કે તમારા મોકલેલા કામમાં 90% એક્યુરેસી નથી એટલે તમે કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કર્યું છે એટલે અમારા લીગલ પ્રતિનિધિ તમને સંપર્ક કરશે.

થોડી જ વારમાં કોઈ વકીલ તરફથી તમને ફોન કરવામાં આવશે કે તમેં આ કોન્ટ્રાક્ટ પૂરો નથી કર્યો એટલે તમારા પર બ્રિચ ઓફ કોન્ટ્રાક્ટનો કેસ થયો છે આ કોર્ટમાં.કોન્ટ્રાક્ટ તમારી ડિજિટલ સાઈનના આધારે બનાવવામાં આવ્યો હોય છે.મોટા ભાગે કોર્ટ એવી હશે જે એના ઘરથી બહુ દૂર હોય.

એટલે તમનેએ વોટ્સઅપમાં લીગલ નોટિસ પણ મોકલશે. ત્યારબાદ તમને કહેવામાં આવશે કે જો તમારે આમાથી NOC મેળવવું હોય તો આટલા રૂપિયા ટ્રાન્સફ્ટર કરો એટલે તમને NOC મેળવી આપું કંપની તરફથી.જો તમે એને પૈસા આપવાની ના પાડી તો એ તમને પોલીસ અધિકારી પાસે ફોન કરાવશે જે હકીકતએ આ ફ્રોડ કંપનીનો જ માણસ હોય.

આવી રીતે તમને ધમકાવવામાં આવશે અને જો તમે એને પૈસા આપ્યા તો એ NOC પણ મેળવી તમને મોકલી દેસે ત્યાર પછી પાછુ 2 દિવસમાં કંપની તરફથી ફોન આવશે કામ માટે એટલે તમે એમને NOC મોકલશો તો એવું કહેવામાં આવશે કે આ NOC તો ફક્ત કોન્ટ્રાક્ટ તૂટ્યો એના માટે છે તમારે કામ તો અમારી સાથે કરવું જ જોશે કોન્ટ્રાક્ટ તો 11 મહિનાનો થયો છે.એટલે આવી રીતે અલગ અલગ બહાના કાઢી એના પ્રતિનિધિઓ તમારી પાસેથી પૈસા પડાવ્યા કરશે.

ત્યારબાદ ઘણી વાર તમને ફેસબૂક અને બીજી સોશ્યિલ મીડિયાની સાઈટ પર અમુક પોસ્ટ જોવા મળશે જેમાં લખેલું હશે કે મારે આ ગાડી વેચવી છે તેની સાથે ગાડીનો ફોટો હશે અને બીજી જરૂરી માહિતી હશે. આ ગાડી મોટાભાગે તેની અસલી કિંમત કરતા સાવ ઓછા ભાવમાં વેચવાની છે

એવુ બતાવવામાં આવે છે એટલે સ્વાભાવિક છે જે કોઈ વ્યક્તિ ગાડી લેવા ઉત્સુક હોય જ સારી ગાડી સાવ ઓછા ભાવમાં મળતી હોય તો.પછી તમેં એને મેસેજ કરો એટલેએ વોટ્સપ નંબર આપે એ વોટ્સપમાં તમને એ ગાડીના ફોટા આરસી બુક બધું જ મોકલશે પછી એ તમને વોટ્સપ કોલ કરશે અને કહેશે કે હું ફ્લાણા આર્મી કેમ્પમાં છું અને બીજી જગ્યાએ મારી ટ્રાંસફર થઈ છે એટલે મારે આ ગાડી વહેંચવી છે.

એના પ્રોફાઈલમાં પણ આર્મી મેન નો ફોટો હોય છે.એટલે તમે કહેશો કે હું આવીને ગાડી લઈ જાવ તો કહેશે તમને તમારા શહેરમાં જ ગાડી પહોંચાડી આપીશ. તો જેવી આપણે એને હા પાડશું એવો જ એ કહેશે કે આર્મી કેમ્પ માંથી બહાર કાઢવા 5000 રૂપિયા ટ્રાંસફર કરો બાકીના તમે ગાડી મળે પછી આપજો આવી રીતે છેલ્લેએ હા ના હા ના કરતો 5000 માંથી 500 રૂપિયાએ આવશે અને જો તમે એ પે કરી દીધા એટલે તમારો નંબર બ્લોક કરી દેશે કા તો એ નંબર જ બ્લોક કરી આપવામાં આવશે.

ત્યારબાદ જે ફ્રોડની અને બ્લેકમેયલિંગની ઘટના વધી છે એ છે વિડીયો કોલ ફ્રોડની, કોઈ પણ યુવતીની પ્રોફાઈલમાંથી ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ માં તમને રિકવેસ્ટ આવે આ રિકવેસ્ટ એક્સેપટ કરતા તમારી સાથે વાત ચાલુ કરી દે અથવા તો વિડીયો કોલ કરી દે. તમે એક વાર પણ આ વિડીયો કોલમાં એની સાથે જોડાણા એટલે 10 થી 15 મિનિટમાં તમારો ફર્જી વિડીયો બનાવી અપલોડ કરવાની અને સગા સબંધીઓને મોકલી દેવાની ધમકી આપવા લાગે અને તરત જ દસ પંદર હજાર રૂપિયા પે કરવાનું કહેવામાં આવે.

જો તમેં પે ન કરો તો તમારા પ્રોફાઈલમાંથી અમુક લોકોને જેમ કે તમારા સગા સબંધી મિત્રો જેની સાથે તમારો ફોટો ટેગ હોય એમાંથી એનું નામ જાણી અને તેણે તમારો આ ફર્જી વિડિઓ મોકલી અને તમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે અને જો તમેં એને એક વાર પૈસા આપી દીધા તો એ વારંવાર તમારી પાસે પૈસાની માગણી કરતા રહે.

આમ જોવા જાયે તો ભારતમાં ઘણાબધા સેક્ટરમાં આવા કિસ્સાઓનું પ્રમાણ ખુબ જ ઝડપી માત્રામાં વધી રહ્યું છે જેમ કે ઘણી બધી વાર તમને ફેસબૂક જેવી સોશ્યિલમીડિયા સાઈટમાં સાવ સસ્તા મોબાઇલની ખબરો જોવા મળે છે જેમાં તમારી પાસે પૈસા પડાવી અને છેતરવામાં આવે છે,

એવી જ રીતે ઘણી બધી લગ્નને લગતી વેબસાઈટો પણ ચાલે છે એમાં પણ તમને પાંચ-સાત પાત્રો સાથે ઓળખાણ કરાવી એક મોટી રકમ હડપવામાં આપવામાં આવે છે. ત્યારબાદ ઘણી બધી ઓનલાઈન નોકરી શોધી આપતી વેબસાઈટમાં પણ આ પ્રકારની ગતિવિધિઓ થાય છે.

સવાલ અહીં એ થાય કે તો આવા બધા ફ્રોડથી બચવા માટે શું કરવું? પહેલી વાત ઓછી મહેનતએ વધારે કમાવવાનું વૃત્તિ છોડી દેવી જોઈએ,બીજું કે કોઈ અજાણ્યા વ્યક્તિની સાથે સોશ્યિલ મીડિયામાં વાતચીત કરવામાં પણ સાવચેતી રાખવી,કોઈ પણ પ્રકારનો ફ્રોડ થયો હોય તો પોલીસ ને જાણ કરવું, લોકોમાં આ બાબતે જાગૃતિ ફેલાવવી.

ક્રિમિનલ મગજના લોકો નવી નવી યુક્તિઓ અજમાવતા જ રહેશે આપણે સંયમ રાખી અને ચાલવું અને ક્યાય ખોટા ડરી અને પૈસા ન આપી દેવા. યોગ્ય વ્યક્તિની સલાહ લઈ અને એની ફરિયાદ કરવી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.