Western Times News

Gujarati News

મ્યુકોરમાઈકોસિસના દર્દીની સારવાર ન થતી હોવાની ગુજરાત હાઈકોર્ટમાં અરજી

પ્રતિકાત્મક

અમદાવાદ, દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ આ બધા વચ્ચે કોવિડ-૧૯ દર્દીઓ અને મહામારીથી સાજા થઈ ચૂકેલા લોકોમાં વધી રહેલા મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના જાેખમે ચિંતા વધારી દીધી છે. ત્યારે રાજ્યના સરકારી હોસ્પિટલોમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સારવાર ન કરાતી હોવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટમાં અરજદારે રજૂઆત કરી છે કે હાઇકોર્ટે લીધે સુઓમોટો અરજી આ મુદ્દે સાંભળવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓની યોગ્ય સારવાર કરવામાં આવતી નથી તેમજ દવાઓ અને નિષ્ણાંત તબીબોનો અભાવ છે. મ્યુકોરમાઈકોસિસના દર્દીઓને સરકારી હોસ્પિટલો અધવચ્ચે ડિસ્ચાર્જ કરી દે છે.

સરકારી હોસ્પિટલનું વલણ ગેરબંધારણીય છે. આ અંગે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. રવિવારે સીએમના અધ્યક્ષસ્થાને રાજ્યમાં વધતા જતા મ્યુકોરમાઇકોસિસ રોગના નિયંત્રણ અને સારવાર માટેની બેઠક યોજાઈ હતી. સરકાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડ શરૂ કરાશે.

સાથે જ મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે રૂ.૩ કરોડ ૧૨ લાખના ખર્ચે એમ્ફોટિસીરીન બી-૫૦- એમજીના ૫૦૦૦ ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપી દેવાયો છે. સમગ્ર રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના આવા ૧૦૦થી વધારે કેસો નોંધાયા છે. મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ એક ખુબ જ દુર્લભ સંક્રમણ છે.

તે મ્યુકર ફૂગના કારણએ થાય છે જે સામાન્ય રીતે માટી, છોડ, ખાતર, સડેલા ફળ અને શાકભાજીમાં જાેવા મળે છે. નીતિ આયોગના સભ્ય વી કે પોલના જણાવ્યાં મુજબ હવે કોવિડ-૧૯ના અનેક દર્દીઓમાં ફંગસ ઈન્ફેક્શનની ફરિયાદો જાેવા મળી છે. આ ફંગસ ઈન્ફેક્શનને બ્લેક ફંગસ એટલે કે કહે છે.

આ ફંગસ મોટાભાગ ભીની સપાટી પર જ થાય છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસની ઓળખ તેના લક્ષણોથી થઈ શકે છે. જેમાં નાક બંધ થઈ જવું, નાક કે આંખની આજુબાજુ દુખાવો કે લાલ થઈ જવું, તાવ, માથાનો દુઃખાવો, ઉધરસ, શ્વાસ ચડવો, લોહીની ઉલટી, માનસિક રીતે અસ્વસ્થ થવું અને કન્ફ્યૂઝનની સ્થિતિ સામેલ છે.

બ્લેક ફંગસનો સૌથી વધુ ખતરો શુગરના દર્દીઓને રહેલો છે અને અનિયંત્રિત શુગરવાળા લોકોને થઈ શકે છે. આ ઉપરાંત સ્ટેરોઈડના ઉપયોગથી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવાથી, લાંબા સમય સુધી આઈસીયુમાં રહેવાથી, કોઈ ગંભીર બીમારીથી પીડિત હોવાથી અને વોરિકોનાઝોલ થેરેપીથી સંક્રમણ થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.