રાજકોટના સંઘી કલારીયા ગામથી કોરોના માઇલો દૂર
ગામમાં મેળાવડા, ફેરિયા અને બહારના લોકોને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ગામ લોકો માટે ખાસ વ્યવસ્થા
ઉપલેટા: કોરોનાની બીજી લહેરમાં કોઈ શહેર કે ગામ કોરોનાથી બચી શકે તેવું ખૂબ મુશ્કેલ છે. જાેકે, ઉપલેટા તાલુકાના સંધી ક્લારિયા ગામમાં કોરોનાનો એક પણ કેસ હજી સુધી નોંધાયો નથી. આ પાછળ ગામ લોકોની જાગૃતિ છે. ગામમાં કોઈને કોરોના ન થાય તે માટે ગામ લોકોએ ખાસ વ્યવસ્થા અને નિયમો બનાવ્યા છે. જે પ્રમાણે ગામમાં મેળાવડા, ફેરિયા અને બહારના લોકોને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કોરોનાની બીજી લહેર ગામડે ગામડે પોહોંચી છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સંધી કલારીયા ગામમાં આજ દિન સુધી કોરોના પહોંચ્યો નથી. ૭૫૦ લોકોની વસ્તી ધરાવતું સંધી કલારીયા ગામના લોકોની જાગૃતતાને લઈને સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બન્યું છે. આ ગામમાં ઉકાળા વિતરણ અને ઘરે ઘરે જઈને સતત હેલ્થ ચેકઅપની કામગીરી કરવામાં આવી રહી છે. ગામડાની વાત આવે એટલે શુદ્ધ હવા, પાણી, ખોરાક બધું જ મળી રહે છે. છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે અને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે
ત્યારે બીજી લહેરમાં ગામડાઓમાં પણ તેની ખૂબ અસર દેખાઈ રહી છે. એવામાં અમુક ગામો એવા છે જેનાથી કોરોના હજુ માઇલો દૂર રહ્યો છે. આવું જ એક ગામ એટલે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું સંધી કલારીયા. આ ગામમાં સામાજિક મેળાવડા, ફેરિયા અને ગામ બહારના લોકોને પ્રવેશ પર તેમજ ગામના લોકોને બહાર જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કારણે આજદિન સુધી આ ગામ કોરોનાપ્રૂફ બની રહ્યું છે. ગામને કોરોનામુક્ત રાખવા બાબતે સરપંચ અબાભાઈ ખેભરે જણાવ્યું કે, ગત વર્ષે જ્યારે કોરોના આવ્યો ત્યારથી ગ્રામજનો જાગૃત બની અને તકેદારી રાખી રહ્યા છે. બીમારી સબબ સતત આરોગ્ય ચકાસણી જેવા પગલાંથી કોરોનાને ગામમાં આવતો અટકાવ્યો છે.
ખાસ કરીને હાલ રમજાન માસમાં ગામની મસ્જિદમાં નમાજ પઢવા માટે મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય છે, પરંતુ આ ગામમાં ટ્રસ્ટીઓએ મસ્જિદ બંધ રાખવાનો ર્નિણય લીધો હતો. સ્વયં શિસ્ત જાળવીને લોકો પોતાના ઘરે જ નમાઝ પઢી લે છે. જ્યારે ખોરાકની વાત આવે ત્યારે શાકભાજી, કરિયાણું ચાર-પાંચ ઘર દીઠ કોઈ એક વ્યક્તિ જરૂર પ્રમાણે લાવી આપે છે. ઉપલેટા આરોગ્ય અધિકારી ડૉક્ટર હેપી પટેલના જણાવ્યા પ્રમાણે હેલ્થ સેન્ટર આવતા ગામના લોકોને માહિતી, શિક્ષણ અને કમ્યુનિકેશન વિષે જનજાગૃતિ અભિયાન આરોગ્ય ટીમ દ્વારા ચલાવાઈ રહી છે.
એ લોકોમાં પણ ખૂબ જાગૃતિ આવી હોય લોકોને કોરોના અંગે સચોટ માર્ગદર્શન, માસ્ક પહેરવાનું પાલન કરવું, સામાજિક અંતર જાળવવું વગેરે જેવી બાબતો સમજાવવામાં આવી રહી છે. ઉકાળા વિતરણ અને ઘરે ઘરે સતત હેલ્થ ચેકઅપ કરવાની પણ કામગીરીથી કોરોનાના કેસ ઓછા છે. સંધી કલારીયા ગામમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો ન હોવાનું પણ ગૌરવ અનુભવે છે. સંધી કલારીયા ગામ અન્ય ગામો માટે પણ આ પ્રેરણા રૂપ બન્યું છે. “મારુ ગામ, કોરોના મુક્ત ગામ” મુખ્યમંત્રીએ જ્યારે કોરોનાને જડમૂળથી દૂર કરવા માટે આદેશ કરાવ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના આ ગામ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે.