બોપલમાં ઘરે ઘરે પાણીના મીટરો તથા ર૪ કલાક પાણી આપવાનું ઔડાનું આયોજન
રૂ.૬૮ કરોડ ફાળવ્યાઃ પાણીના મીટરો નાંખવાથી લોકો પાણીનો બગાડ કરતા અટકશે |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : જળ એ જ જીવન છે. પાણી વેડફાતું બચાવવા, તથા લોકો પાણીનું મૂલ્ય સમજે એ જરૂરી છે. શહેરમાં આજે જેટલો પાણીનો વપરાશ થાય છે તેનો સરેરાશ ૩૦ થી ૩પ ટકા પાણી વેડફાતું હોય છે. નળ ખુલ્લા રાખવા, લીકેજ પાણીની પાઈપ લાઈનો રીપેર ન કરાવવી. ગાર્ડનમાં પાણીનો દુરૂપયોગ કરવો, આ બધી આદતોને કારણે પાણીની અછત પણ ઘણી વખત ઉભી થતી હોય છે.
પાણી વેડફાતું બચે, લોકો પાણીનું મૂલ્ય સમજે, તથા તેનો યોગ્ય વપરાશ કરવામાં આવે તે માટે ઔડા સમગ્ર બોપલમાં બે વર્ષની સમયમર્યાદામાં, ઘરે ઘરે ‘વાટર મીટર’ મુકનાર છે. જેથી લોકોને પાણીનું મુલ્ય સમજાતું થાય. ઔડાની હદમાં આવતો આ પહેલો જ વિસ્તાર છે કે જ્યાં ઔડા બે વર્ષની અંદર ઘરે ઘરે ‘વાટર મીટર’ નાખંવાનું આયોજન કરી રહી છે. અને આ માટે ઔડા તરફથી રૂ.૬૮ કરોડ ફાળવવામાં પણ આવ્યા હોવાનું જાણવા મળે છે.
ઔડાના સતાવાળાઓએ જણાવે છે કે ઘરે ઘરે વાટર મીટર લગાવ્યા બાદ બોપલના રહીશોને ર૪ કલાક પાણી મળે એવી વ્યવસ્થા પણ સાથે સાથે કરવામાં આવશે. ઔડાના સુત્રો તરફથી આ માટે એક એજન્સીને કામ સોંપવામાં આવ્યુ છે. જે ઘરે ઘરે ેપાણીનું મીટર’ મુકશે. દર મહિને મીટર રીડીંગ કરી, બિલો તૈયાર કરી, મોકલાશે. અને બોપલના રહીશોને ર૪ કલાક પાણી મળે છે કે નહી તેની પણ તપાસ રાખશે.
હાલમાં બોપલની વસ્તી ૧.૩ લાખની છે. આગામી દિવસોમાં એ વધીને ર લાખ પણ થઈ શકે છે. તેથી દરેક નાગરીકને પુરતુ પાણી મળે તથા પાણીનો બગાડ ન થાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. પાણી માટે મીટરો મુકવાથી લોકો પાણીનો બગાડ કરતાં અટકશે. પ્રથમ તબક્કામાં બોપલની ટી.પી.સ્કીમ, ૧, ર તથા ૩ કરવામાં આવશે. ત્યારબાદ સમગ્ર બોપલને આવરી લેવામાં આવશે.