આક્રોશિત ખેડૂતોએ ૫૦ ક્વિન્ટલ ટમેટાં ઉપર પર ટ્રેક્ટર ફેરવી દીધું
મુજફ્ફરપુર: બિહારમાં કોરોના કહેરની વચ્ચે મુજફ્ફરપુરથી ખેડૂતાની દુર્દશાની હૃદયદ્રાવક તસવીરો સામે આવી રહી છે. જિલ્લામાં કોરોના શાકભાજી ઉગાડતા ખેડૂતોની કમર તોડી રહ્યું છે. ખાસ કરીને ટમેટા પકવતા ખેડૂતોની સ્થિતિ ખૂબ ખરાબ છે. વિસ્તારમાં શાકભાજીને સુરક્ષિત રાખવા માટે કોઈ કોલ્ડ સ્ટોરેજ નથી જે મુશ્કેલીનું મોટું કારણ છે. આ કારણે જિલ્લાના શાકભાજી ઉગાડતા ખેડૂતો બજાર ન મળવાથી શાકભાજીને રસ્તા પર ફેંકી રહ્યા છે.
મુજફ્ફરપુરના મીનાપુરના મજૌલિયા ગામમાં શાકભાજીની ખેતી મોટાપાયે થાય છે અને રોજ શાકભાજી ગામથી વિવિધ વિસ્તારોના માર્કેટો સુધી પહોંચે છે. લૉકડાઉનના કારણે જે ખેડૂતો ૧૧ વાગ્યા સુધી પોતાની શાકભાજી મોકલી નથી શકતા, તેમની ઉપવ બીજા દિવસે ખરાબ થઈ જાય છે. આ કારણે ખેડૂતો નારાજ છે અને આ જ કારણ છે કે ખેડૂતો ટમેટાંને રસ્તા પર ફેંકી વિરોધ દર્શાવી રહ્યા છે.
શાકભાજી ઉગાડતા ખેડૂત મુન્ના ભગતે જણાવ્યું કે લગ્નની સીઝનમાં ગામમાં ટમેટાનું સારું વેચાણ થતું હતું. વિસ્તારના ગંજ બજાર અને નેઉરા બજારમાં શહેરના વેપારી આવીને ટમેટાં ખરીદીને લઈ જતાં હતા પરંતુ લગ્ન પ્રસંગો પર લૉકડાઉનની અસર થતાં ટમેટાંની ખપત નથી થઈ રહી.
ઉપજ વધુ થતાં મીનાપુરથી ટમેટાંની ખેપ નેપાળ લઈ જવામાં આવતી હતી પરંતુ લૉકડાઉનમાં નેપાળનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. એવામાં ટમેટાંની કિંમત ૧ રૂપિયે કિલો પણ નથી મળી રહી. આ જ કારણે આક્રોશિત ખેડૂતોએ ૫૦ ક્વિન્ટલ ટમેટાં રોડ પર ફેંકી દીધા અને તેની પર ટ્રેક્ટર ફેરવી દીધુંઃ ખેડૂતોની માંગ છે કે કૃષિ અને ઉદ્યાન વિભાગ તરફથી મીનાપુર વિસ્તારમાં શાકભાજીને સુરક્ષિત રાખવા માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવે. જેથી અહીં વેચાયા બાદ વધેલી શાકભાજીને કોલ્ડ સ્ટોરેજમાં રાખીને બગડતી અટકાવી શકાય.