કોરોનાની બીજી લહેર નબળી, દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેસ ઘટ્યા
નવી દિલ્હી: ભારતમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે, છેલ્લા ચોવિસ કલાકમાં દેશમાં સાડા ત્રણ લાખ કરતા પણ ઓછા કેસ નોંધાયા છે. જાેકે, મૃત્યુઆંકમાં મોટો ઘટાડો જાેવા નથી મળી રહ્યો. પરંતુ જે પ્રમાણે દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે તે જાેતા બીજી લહેર નબળી પડી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૩,૨૯,૯૪૨ કેસ નોંધાયા છે. એટલે કે ગઈકાલે રજૂ કરાયેલા આંકડાની સામે આજે ૩૫,૦૦૦ કરતા વધુનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ૨૪ કલાકમાં વધુ ૩,૮૭૬ દર્દીઓએ કોરોનાના લીધે અંતિમ શ્વાસ લીધા છે.
ભારતમાં કોરોનાના સાજા થયેલા દર્દીઓ લાંબા સમય પછી એક્ટિવ કેસ કરતા વધુ નોંધાયા છે. દેશમાં ૨૪ કલાકમાં ૩,૫૬,૦૮૨ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે.
દેશમાં કોરોનાના કુલની સંખ્યા વધીને ૨,૨૯,૯૨,૫૧૭ થઈ ગઈ છે. જ્યારે ૨,૪૯,૯૯૨ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. કોરોનાને હરાવીને સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા દેશમાં ૧,૯૦,૨૭,૩૦૪ થઈ ગઈ છે. હાલ ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૩૭,૧૫,૨૨૧ પર પહોંચી ગઈ છે.
આઈસીએમઆર મુજબ ૧૦ મે સુધીમાં કોરોના ટેસ્ટ માટે ૩૦,૫૬,૦૦,૧૮૭ સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી ગઈકાલે ૧૮,૫૦,૧૧૦ સેમ્પલ લેવામાં આવ્યા છે. દેશમાં સૌથી વધુ કોરોનાના કારણે કપરી સ્થિતિ મહારાષ્ટ્રમાં છે જ્યાં ૫,૯૩,૧૫૦ એક્ટિવ કેસ છે આ પછી કર્ણાટકામાં ૫,૭૧,૦૨૬ એક્ટિવ કેસ છે.
૧ મેથી દેશમાં કોરોનાની રસીનો ત્રીજાે તબક્કો શરુ થયો છે, આ પહેલા ૧૬ જાન્યુઆરીએ મેડિકલ સ્ટાફ અને ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી આપવામાં આવી હતી અને તે પછી ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી અપાઈ હતી. દેશમાં અત્યાર સુધીમાં ૧૭,૨૭,૧૦,૦૬૬ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૧,૫૯૨ કેસો નોંધાયા છે અને સામે ૧૪,૯૩૧ દર્દીઓ સાજા થયા છે. અહીં વધુ ૧૧૭ દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક ૮૫૧૧ પર પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૫૪૭૯૩૫ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસો ૧૩૬૧૫૮ છે જેમાં વેન્ટિલેટર પર ૭૯૨ દર્દી જ્યારે ૧૩૫૩૬૬ દર્દીઓ સ્ટેબલ છે.
રાજધાની દિલ્હીમાં સ્થિતિમાં સુધારો થતો દેખાઈ રહ્યો છે. પોઝિટિવિટી રેટમાં ઘટાડો થઈ રહ્યો છે. ઓક્સિજન આપૂર્તિમાં પણ રાહત થઈ રહી છે. મહામારીથી ગંભીર રીતે પ્રભાવિત થયેલા દિલ્હીમાં પાછલા ૨૪ કલાકમાં ૧૨,૬૫૧ નવા કેસ આવ્યા છે. જાેકે, અહીં મૃત્યુઆંક હજુ પણ ઊંચો રહ્યો છે. પાછલા ૨૪ કલાકમાં અહીં ૩૧૯ લોકોએ જીવ ગુમાવ્યો છે. સોમવારે સંક્રમણ ઘટીને ૧૯.૧૦ ટકા થયું છે. આ પાછલા ૪ અઠવાડિયા કરતા ઓછું છે.