Western Times News

Gujarati News

આવકનો સ્ત્રોત બંધ થયેલા ૫૦ પરિવારને ધારાસભ્ય ૧ વર્ષનું અનાજ- કરીયાણું ભરી આપશે

કોરોનામાં પરિવારના મોભી ગુમાવનાર અને આર્થિક રીતે ભાંગી પડેલા પરિવારને ઘાટલોડિયાના ધારાસભ્ય મદદ કરશે –પાંચ પરિવારના બાળકોના શિક્ષણની સંપૂર્ણ ફીનો ખર્ચ ઉપાડશે

અમદાવાદ, કોરોનાની મહામારીના બીજા વેવમાં ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જેમાં અનેક પરિવારના મોભી ગુમાવતાં ઘરની પરિસ્થિતિ ડામાડોળ થઈ જાય છે. કોરોનામાં પરિવારના મોભી ગુમાવતા નિઃસહાય બનેલા પરિવારોને મદદ કરવા માટે અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ આગળ આવ્યા છે.

જે પરિવારે મોભી ગુમાવ્યા છે તેવા ૫ પરિવારના બાળકોના શિક્ષણ ફી તેઓ ભરશે. ઉપરાંત ૫૦ જેટલા પરિવારને જેમણે કોરોનામાં સ્વજન ગુમાવ્યા છે તેવા પરિવારને એક વર્ષનું કરીયાણું ભરી મદદ કરશે.

ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં અનેક લોકોના મદદ માટે ફોન આવતા હોય છે અને લોકોને બનતી મદદ કરવામાં આવે છે. ત્યારે ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારમાં કોરોનાના કપરા કાળમાં જે પરિવારે મોભી ગુમાવ્યાં હોય અને આવકનો સ્ત્રોત બંધ થઈ ગયો હોય એવા પાંચ પરિવારના બાળકોના ઉચ્ચ શિક્ષણ જેવા કે એન્જિયરિંગ, મેડિકલ હોય તે ભણી ન રહે ત્યાં સુધીની ફી ઘાટલોડિયા વિધાનસભા ભાજપ દ્વારા ઉપાડવામાં આવશે.

ઉપરાંત ૫૦ એવા પરિવારો જે સરકારનો લાભ નથી લઈ શકતા તેમજ કોરોના કારણે આર્થિક સ્થિત કથળી હોય અને રોજગારીનું કોઇ સાધન ન હોય તેવામાં પરિવારના ભરણ પોષણની તકલીફ હોય તેવા ૫૦ પરિવારને એક વર્ષ માટે કરીયાણું ( અનાજ, ચોખા, દાળ, તેલ અને ખાંડ ) જેટલા પરિવારના સભ્યો હોય તે પ્રમાણે ભરી આપવામાં આવશે.

જે પરિવારને ખરેખર જરૂરિયાત છે તેવા લોકો ઘાટલોડિયા વિધાનસભા કાર્યાલયના નંબર ૦૭૯- ૨૭૪૦૨૫૦૦ તેમજ કાર્યાલય મંત્રી રાજુભાઈ ૯૮૨૫૦૯૬૯૪૦નો સંપર્ક કરી અને જાણ કરી શકે છે. જે પરિવાર પોતાનો ઓળખ નહિ આપવા માંગે તો અમે તેમની ઓળખ પણ છુપાવી મદદ કરીશું. જે પણ પરિવારને જરૂર હશે તે જાણ કરશે તે માટે કાર્યકર તેની નાની તપાસ કરશે કે ખરેખર જરૂરિયાત છે કે કે કારણ કે કોઈ ખરેખર જરૂરિયાતમંદ વ્યક્તિ મદદ માટે રહી ન જાય તે માટે કરી અને કીટ આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.