બીજી લહેરનો કહેર હળવો થયો પરંતુ જુલાઈ સુધી નહીં થાય અંત
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરની ઝડપ થોડા રાજ્યોમાં નબળી પડતી જાેવા મળી રહી છે. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશના ૯ રાજ્યોમાં હવે નવા કેસોમાં ઘટાડો આવતો હોય તેવું લાગી રહ્યું છે. તેમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને દિલ્હી જેવા ખૂબ જ પ્રભાવિત રાજ્ય પણ છે. પરંતુ સંક્રામક બીમારીઓના એક્સપર્ટ ડૉ. શાહિદ જમીલનું કહેવું છે કે ભલે અત્યારે કેસ ઓછા દેખાઈ રહ્યા હોય પરંતુ બીજી લહેરનો અંત થવામાં હજુ થોડાક મહિના લાગશે. શાહિદ જમીલના જણાવ્યા મુજબ જુલાઈના અંત સુધી બીજી લહેરનો અંત થશે. તેઓએ એવું પણ કહ્યું કે દેશમાં બીજી લહેરના પ્રચંડ પ્રકોપની પાછળ નવો વેરિયન્ટ પણ જવાબદાર હોઈ શકે છે પરંતુ એ વાતના સંકેત નથી કે તે વધુ ઘાતક છે.
તેઓએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે દેશમાં બીજી લહેરમાં કેસ એટલી ઝડપથી નહીં ઘટે જે રીતે સામાન્ય રીતે બીજી કે ત્રીજી લહેરમાં થાય છે. ડૉ. શાહિદ જમીલનું કહેવું છે કે પહેલી લહેરમાં એક દિવસમાં દેશમાં સૌથી વધુ દર્દીઓની સંખ્યા ૯૬-૯૭ હજાર રહેતી હતી. તો તેની સામે બીજી લહેરમાં લગભગ ૪ લાખ છે. તેથી આ લહેરને જવામાં પણ સમય લાગશે. આમ પણ હજુ અનેક રાજ્યો એવા છે જ્યાં નવા કેસોમાં વધારો પણ થઈ રહ્યો છે. આ ઉપરાંત, ડૉ. શાહિદ જમીલે જણાવ્યું કે, ભારતમાં કોરોનાથી થનારા મોતના આંકડા પણ યોગ્ય નથી.
તેમનું કહેવું છે કે આપણે જે રીતે કોરોના મોતના આંકડા એકત્ર કરીએ છીએ, તે પદ્ધતિ ખોટી છે. તેઓએ કહ્યું કે દેશની કોરોનાની બીજી લહેર ફેલાવવા પાછળ કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરવું અગત્યનું કારણ છે. આ ઉપરાંત તેઓએ ચૂંટણી રેલીઓ અને ધાર્મિક આયોજનો જેવા સુપરસ્પ્રેડિંગ ઇવેન્ટ્સને પણ કોરોનાના પ્રસારમાં જવાબદાર ગણાવ્યા. સંક્રમાક બીમારીઓના એક્સપર્ટ અને વાયરોલોજિસ્ટ શાહિદ જમીલનું કહેવું છે કે ભારતમાં ભલે કોવિડ-૧૯ના કેસ ઓછા થતા જાેવા મળી રહ્યા હોય પંરતુ બીજી લહેરને ખતમ થવામાં હજુ થોડા મહિના લાગશે અને કદાચ તે જુલાઈ સુધી ચાલશે. એક ઓનલાઈન કાર્યક્રમને સંબોધતા શાહિદ જમીલે કહ્યું કે ‘કોવિડ-૧૯ની બીજી લહેર ચરમ પર છે
તે કહેવું ઉતાવળ હશે. નવા કેસનો ગ્રાફ ભલે ફ્લેટ થઈ રહ્યો છે પરંતુ સંક્રમણ પર કાબૂ મેળવવો એટલું સરળ નથી. તે હજુ લાંબો સમય ચાલશે અને જુલાઈના અંત સુધીમાં તે શક્ય બની શકે છે. જેનો અર્થ એ થયો કે ભલે કર્વ ઘટવા લાગ્યો છે પરંતુ આવનારા દિવસોમાં આપણે દરરોજ મોટી સંખ્યામાં સંક્રમણ સામે ઝઝૂમવું પડશે. શાહિદ જમીલે કહ્યું કે ‘પહેલી લહેરમાં આપણને સતત ઘટાડો જાેવા મળ્યો હતો. પરંતુ યાદ રાખો ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા પહેલા કરતા ઘણી વધુ છે. પહેલી લહેરમાં સૌથી વધુ કેસ ૯૬૦૦૦-૯૭૦૦૦ હતા જ્યારે આ વખતે આંકડો ૪ લાખથી વધુ પહોંચી ગયો. આથી તેમાં વધુ સમય લાગશે, કારણ કે કોરોનાના કેસ ખુબ વધારે છે.
આ બાજુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારતમાં છેલ્લા ૩ દિવસમાં કોવિડ-૧૯ના કેસમાં ઘટાડો જાેવા મળ્યો છે. ૯મેના રોજ બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોનાના ૪ લાખથી વધુ કેસ સામે આવ્યા હતા. જ્યારે ૧૦ મેના રોજ ૩.૬૬ લાખ, ૧૧ મેના રોજ ૩.૨૯ લાખ કેસ નોંધાયા હતા.