Western Times News

Gujarati News

રાજકોટમાં માતાપિતાનું બારમું કરે તે પહેલા કાળમુખો કોરોના પુત્રને પણ ભરખી ગયો

રાજકોટ: કાળમુખા કોરોનાને કારણે વધુ એક પરિવારનો માળો પીંખાયો છે. માત્ર ૧૨ દિવસના સમયગાળામાં વૃદ્ધ માતાપિતા અને ત્યારબાદ ઘરના આધારસ્તંભ એવા પુત્રનું પણ કોરોનાથી નિધન થયું છે. ૧૨ દિવસમાં ત્રણ ત્રણ મોતથી ભાલાળા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કોરોના મહામારીની સાથે સાથે કુદરત પણ ક્રૂર અને દયાહીન બનતો હોઈ એવું લાગી રહ્યો છે. હાલ ભાલાળા પરિવારની હાલત એવી છે કે કોણ કોનો સાંત્વના આપે. મૃતક પુત્ર માતાપિતા સાથે જ રહેતો હતો અને તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પિતા બાદ માતાને હૉસ્પિટલમાં દાખલ કરતા પુત્ર ભાંગી પડ્યો હતો.

ગોંડલના બસ સ્ટેન્ડ પાસે કૃષ્ણનગરમાં રહેતા અને મર્કન્ટાઈલ બેન્કમાં ડેઈલી કલેક્શનનું કામ કરતા કેતનભાઇ ભાલાળાના પિતા ઘુસાભાઇ કોરોનાથી સંક્રમિત થતા ગત તારીખ ૨૯ એપ્રિલનાં રોજ મોતને ભેટ્યા હતા. પરિવાર વટવૃક્ષ સમાન પિતાના નિધનના શોકમાંથી ઊગર્યો ન હતો ત્યાં જ માતા જમકુબેનને કોરોનાની ભરખી ગયો હતો.

જમકુબેનનું તારીખ સાતમી મે, શુક્રવારના રોજ અવસાન થયું હતું. કુદરતના કાળજે હજુ ટાઢક ન પહોંચી હોય ત્યાં પરિવારના સૌથી નાના લાડકવાયા દીકરા કેતનભાઇનું કોરોનાના કારણે નિધન થતા પરિવારમાં કોણ કોને સાંત્વના આપે તેવી સ્થિતિ ઊભી થવા પામી હતી.

ભાલાળા પરિવાર પર અચાનક આવી પડેલી કાળરૂપી આફત અંગે પરિવારના અનિલભાઈ ભાલાળા અને દિનેશભાઇ ભાલાળાએ જણાવ્યું હતું કે, “અમે સ્વપ્ને પણ વિચાર્યું ન હતું કે અમારા પરિવારના ત્રણ ત્રણ સભ્યો માત્ર ૧૨ દિવસના ટૂંકા સમયમાં જ અનંતની વાટ પકડી લેશે. હૃદય હજુ પણ માનવા તૈયાર નથી કે અમારી સાથે આવી ઘટના બની ગઈ છે.”

બંનેએ વધુમાં જણાવ્યું હતું કે, “મૃતક કેતનભાઇને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. તેઓ માતા-પિતાની સાથે રહેતા હતા. અમે પણ આજુબાજુના મકાનમાં જ રહીએ છીએ. આમારા પરિવારને કોરોનાની નજર લાગી ગઈ હતી. આ કારણે પરિવારનો માળો પીંખાય જવા પામ્યો છે. પરિવારના ત્રણેય વ્યક્તિઓ માટે દવા, દુઆ બધુ જ કરી છૂટ્યા પરંતુ કશું જ કારગર ન નીવડ્યું.”

પરિવારના સભ્યોનું કહેવું છે કે, માતાને હૉસ્પિટલમાં દાખલ કર્યાના સમાચારથી કેતનભાઈને આઘાત લાગ્યો હતો. તેમને માતાના નિધનના સમાચાર આપ્યા પણ ન હતા. કોરોના બાદ બ્રેઇન સ્ટ્રોક આવ્યા કેતનભાઈ પણ માતાપિતા સાથે અનંતની વાટે નીકળી પડ્યા હતા. કેતનભાઈના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.