Western Times News

Gujarati News

રાજકોટમાં મિત્રએ દારૂ પીવડાવી મિત્રની હત્યા કરી દીધી

Files Photo

રાજકોટ: રાજકોટ શહેરના બજરંગવાડી પોલીસ ચોકીથી થોડે દૂર એક અજાણ્યા શખ્સની હત્યા થયાની શંકા દર્શાવતી લાશ મળી આવી હતી. આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ મૃતકના મિત્ર અને તેની પત્નીના પ્રેમીએ કરી હોવાનું સામે આવ્યું છે. ‘જર, જમીન અને જાેરૂ ત્રણેય કજિયાનાં છોરુ’ એ કહેવત દાયકાઓથી આપણે ત્યાં કહેવાતી આવી છે. આ કહેવત હજારો વખત સાચી પણ પડી છે. આ જ પ્રકારનો કિસ્સો રાજકોટ શહેરમાં સામે આવ્યો છે. રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર આવેલી બજરંગવાડી પોલીસ ચોકીથી થોડે દૂર રેલવે પાટાની આસપાસના અવાવરું જગ્યામાં ચોથી મેના રોજ એક અજાણી વ્યક્તિની લાશ પડી હોવાની બાતમી ગાંધીગ્રામ પોલીસને મળી હતી.

ઘટના સ્થળ પર પહોંચીને પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી. પીએમ રિપોર્ટમાં મૃતકના માથામાં બોથડ પદાર્થ વડે ઘા ઝીંકવામાં આવતા ખોપડીમાં ફ્રેક્ચર થયા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસની હત્યાની શંકા સાચી સાબિત થઈ હતી.

બીજી તરફ મૃતકની પત્નીએ પણ ક્રાઇમ સીરિયલમાં આવે તેવી સ્ટોરી પોલીસને જણાવી હતી. મૃતકના પત્ની સંગીતાબેને પોલીસને જણાવ્યું હતું કે, સાગર દરજી નામના વ્યક્તિ સાથે તેના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને સંતાનમાં એક કાવ્ય નામની પુત્રી છે, જ્યારે જય નામનો પુત્ર છે. હાલ તેની ઉંમર ૩૫ છે. જ્યારે તેના પતિની ઉંમર ૫૫ વર્ષ છે. એટલે કે પતિ-પત્ની વચ્ચેની ઉંમરમાં ૨૦ વર્ષનો તફાવત હોવાનું સામે આવ્યું છે.

સંગીતાએ પોલીસને જણાવ્યું હતું કે, “ગત ત્રીજી મેના રોજ ઘરમાં રાંધણ ગેસનો બાટલો ખૂટી ગયો હોવાથી હું, મારા પતિ અને બે સંતાનો રિક્ષામાં બેસીને રામાપીર ચોકડી સુધી પહોંચ્યા હતા. રામાપીર ચોકડીથી ગારીયાધારમાં રહેતી મારી બહેન દીપિકાના ઘરે હું મારા બે સંતાનોને લઈ પહોંચી હતી. બીજી તરફ પતિને પોતાના મોબાઈલમાં રિચાર્જ કરાવવાનું હોવાથી તે અમારાથી અલગ પડ્યા હતા. રિચાર્જ કરાવ્યા બાદ તેઓ પણ મારા બહેનની ઘરે જવાના હતા પરંતુ મોડે સુધી તેઓ ન આવતા મારા પતિ મારા માધાપર સ્થિત ઘરે જતા રહ્યા હશે

તેમ સમજીને હું મારા બંને બાળકો સાથે બહેનના ઘરે જ રોકાઈ ગઈ હતી. બહેનના ઘરે બે દિવસ રોકાયા બાદ ત્રીજે દિવસે હું મારા ઘરે ગઈ હતી. ઘરે પહોંચતાં મકાન બંધ હોય અને પતિ પણ જાેવા ન મળતાં મેં ગાંધીગ્રામ પોલીસમાં ગુમ થયાની જાણ કરી હતી. જે દરમિયાન ચોથી મેના રોજ ડેપો પાસે પ્રૌઢની લાશ મળી આવી હતી, જે મારા જ પતિની હોવાની જાણ થઈ હતી.”

આવી વાત બાદ પોલીસને પહેલેથી જ આ કેસમાં પત્ની સંગીતાની ભૂમિકા શંકાસ્પદ લાગી રહી હતી. પોલીસે પતિ, પત્ની ઉંમરનો તફાવત જાેયા બાદ મૃતક અને તેની પત્નીના સંબંધો પર તપાસ કેન્દ્રીત કરી હતી. આ સમયે પોલીસને સચોટ બાતમી મળી હતી કે, સંગીતા અને તેના પતિના મિત્ર સંજય ઉર્ફે છોટીયો ઉર્ફે બિહારી પાસવાન સાથે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ છે.

ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અને પી.એસ.આઇ યુ.બી.જાેગરાણાની ટીમે સંજય બિહારીને ઉઠાવી લીધો હતો. સંજય બિહારીને ખાખીની સખ્તાઈ બતાવતા જ તે પોપટની જેમ બોલવા માંડ્યો હતો. સંજય પોલીસને જણાવ્યું હતું કે તે સંગીતા સાથે પાંચ વર્ષથી પ્રેમ સંબંધમાં છે. પ્રેમ સંબંધમાં પોતાનો મિત્ર સાગર આડખીલીરૂપ બનતો હોવાથી તેને પતાવી દીધો હતો. બંને વારંવાર સાથે દારૂ પણ પીતા હતા. તેમજ સાગરની હત્યા કર્યા બાદ સંજયે પોતાની પ્રેમિકાને કહ્યું હતું કે, તારા પતિને કામે લગાડી દીધો છે.

ગત ત્રીજી મેના રોજ સંજય તેના મિત્ર સાગરને દારૂ પીવડાવી નશાની હાલતમાં બજરંગવાડી પોલીસ ચોકીની પાછળ આવેલા પાસે લઇ ગયો હતો. અહીં માથા, નાક તથા ગુપ્ત ભાગ પર પથ્થર મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ગાંધીગ્રામ પોલીસે હાલ સંજય ઉર્ફે બિહારીનો કબજાે મેળવી તેની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. તેનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવતાની સાથે જ તેની ધરપકડ પણ કરવામાં આવશે. સમગ્ર મામલે પોલીસ સાગરની પત્નીની પણ હત્યા મામલે સંડોવણી છે કે નહીં તે મામલે વધારે તપાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.