ઢાઢર નદીમાં મૃત મરઘીઓનો વેસ્ટ નિકાલ કરી પ્રદુષિત બનાવતા ચિકન શોપના સંચાલકો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/1205-Bharuch-3-1024x576.jpg)
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીના બ્રિજ ઉપરથી ચિકન શોપના સંચાલકો મૃત મરઘીઓનો વેસ્ટ નિકાલ કરી ઢાઢર નદીને પ્રદુષિત બનાવી રહ્યા છે તેમજ રોડ ઉપર મરઘીઓના અવશેષો પડી રહેતા વાહનચાલકો તેમજ રાહદારીઓ દુર્ગંધથી હેરાન પરેશાન બની ગયા છે.ત્યારે આમોદ ચિકન શોપના સંચાલકો વિરુદ્ધ લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.
આમોદમાં અનેક ઠેકાણે ચિકન શોપ આવેલી છે.જે શોપના સંચાલકો પોતાને ફાવે ત્યાં મૃત મરઘાં ના વેસ્ટનો નિકાલ કરી દેતા હોય છે ત્યારે કેટલાક ચિકન શોપના માલિકો ઢાઢર નદીમાં આવો વેસ્ટ નાખી જતા હોય છે અને નદીને પણ પ્રદુષિત કરી રહ્યા છે.ચિકન શોપના માલિકોએ આવો વેસ્ટ જમીનમાં ખાડો ખોડીને દાટી દઈ તેનો નિકાલ કરવાનો હોય છે.
પરંતુ સરકારની ગાઈડ લાઈનનો ભંગ કરી જ્યાં ત્યાં આવા મૃત મરઘાંના વેસ્ટનો નિકાલ કરે છે જેનાથી રોગચાળો ફેલાવાની દહેશત પણ રહેલી છે.તેમજ મૃત મરઘીઓના પીંછા પણ વાહનનોના પવન જાેરે ઉડતા બાઇક ચાલકો હેરાન બન્યા છે.આમોદ ઢાઢર નદી ઉપર કારબા ભરીને મૃત મરઘીઓના વેસ્ટનો નિકાલ કરવામાં આવતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો.
આ ઉપરાંત નજીકમાં આવેલી ખાદ્ય પદાર્થો બનાવતી કંપની પણ રાતના અંધકારમાં તેમનો કચરો ઢાઢર નદીમાં આવીને ઠાલવી જતી હોય છે.ત્યારે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ આવા લોકો સામે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.
આમોદ નગરમાં પણ આવેલી ચિકન શોપ જાહેરમાં જ ચિકન કટિંગ કરતી હોય લોકોની ધાર્મિક આસ્થા પણ દુભાઈ રહી છે. ત્યારે આમોદ પાલિકા તંત્ર આવા ચિકન શોપના માલિકો સામે જરૂરી કાર્યવાહી તે ઇચ્છનીય છે.*