EDII અને ડિજિટલ યુનિવર્સિટી કેરળ બ્લોકચેઇન સ્ટાર્ટઅપ પ્રોગ્રામ શરૂ કરશે
14-દિવસનો ઇન્સ્ટ્રક્ટર સંચાલિત ઓનલાઇન પ્રોગ્રામ 7 જૂન, 2021થી શરૂ થશે, જેમાં બ્લોકચેઇન ટેકનોલોજીના ક્ષેત્રમાં યુવાન ઉદ્યોગસાહસિકોને તાલીમ આપવામાં આવશે
આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઇઆઈ), અમદાવાદ અને ડિજિટલ યુનિવર્સિટી ઓફ કેરળ (ડીયુકે)એ કેરળ બ્લોકચેઇન એકેડેમી (કેબીએ) સાથે ડીયુકે પ્રજ્ઞાના નેજાં હેઠળ સંયુક્તપણે ‘બ્લોકચેઇન સ્ટાર્ટઅપ્સ’ માટે સર્ટિફાઇડ પ્રોગ્રામ શરૂ કર્યો છે.
આ પ્રોગ્રામનો ઉદ્દેશ સ્ટાર્ટઅપ્સ અને વ્યક્તિઓને પર્યાપ્ત જાણકારી, કુશળતા આપવાનો તથા ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપ્સ સાથે સંબંધિત સમસ્યાઓ, તકો અને પડકારોની સમજણ કેળવવા અને અસરકારક સમાધાન મેળવવાના અભિગમ કેળવવામાં મદદરૂપ થવાનો છે, જે બ્લોકચેઇન ટેકનોલોજીના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ સ્થાપિત કરવા તરફ દોરી જશે.
પ્રોગ્રામનું પ્રથમ સત્ર 7 જૂન, 2021થી શરૂ થશે અને ઉદ્યોગસાહસિક થવા ઇચ્છતી દરેક વ્યક્તિ તથા બ્લોકચેઇન ટેકનોલોજીના ક્ષેત્રમાં સ્ટાર્ટ-અપ સ્થાપિત કરવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ એમાં સામેલ થઈ શકશે. અત્યાર સુધી પ્રથમ બેચ માટે લાયકાત ધરાવતા 35 સહભાગીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
ઉદ્ઘાટન સત્રને શરૂ કરવા માટે ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વર્ચ્યુઅલ માધ્યમ થકી ડિજિટલ યુનિવર્સિટી ઓફ કેરળના વાઇસ-ચાન્સેલર ડો. સાજી ગોપીનાથ, ઇડીઆઇઆઈના ડાયરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લા, ડિજિટલ યુનિવર્સિટી ઓફ કેરળના ડીન (રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ) અને કેરળ બ્લોકચેઇન એકેડેમીના પ્રોફેસર-ઇન-ચાર્જ ડો. અશરફ એસ, ઇડીઆઇઆઈના સધર્ન રિજનના રિજનલ ડાયરેક્ટર ડો. રમન ગુજરાલ અને ઇડીઆઇઆઈની કેરળ ઓફિસના ઇનચાર્જ અને આસિસ્ટન્ટ ફેકલ્ટી શિબિન મોહમ્મદ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રોગ્રામની પ્રસ્તુતતા સમજાવતા ડિજિટલ યુનિવર્સિટી ઓફ કેરળના વાઇસ-ચાન્સેલર ડો. સાજી ગોપીનાથે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, ઉદ્યોગસાહસિકતા દેશની આર્થિક વૃદ્ધિના વ્હીલ તરીકે કામગીરીની ગુણવત્તા સુધારી શકે છે.
તેમણે ઉમેર્યું હતું કે, બ્લોકચેઇન પરિવર્તનકારક ટેકનોલોજી તરીકે કામ કરવાની સંભવિતતા ધરાવે છે એટલે ટેકનોલોજી સાથે પ્રતિભાઓને ખીલવવી અને ઉદ્યોગસાહસિકતાની કુશળતાઓ બ્લોકચેઇન ક્ષેત્રમાં લાંબા ગાળે ઉદ્યોગસાહસિકતાનું સર્જન કરી શકે છે.
આ કોર્સ વિશે ઇડીઆઇઆઈના ડાયરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાએ કહ્યું હતું કે, “બ્લોકચેઇન ટેકનોલોજી ભારતમાં અતિ પ્રાથમિક તબક્કામાં છે. ઘણા ઉદ્યોગો હજુ પણ એની કાર્યદક્ષતા વિશે પરિચિત નથી અથવા સમજતા નથી. જોકે આ એક ઉપયોગી ટેકનોલોજી છે, જે બેંકિંગ અને ફાઇનાન્સ, હેલ્થકેર, સપ્લાય ચેઇન, રિયલ એસ્ટેટ વગેરે જેવા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ મૂલ્ય લાવી શકે છે. આ કારણે આ તબક્કામાં આ ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકતાને ખીલવવી મહત્વપૂર્ણ છે.
ઇડીઆઇઆઈ વ્યક્તિઓને બ્લોકચેઇન ટેકનોલોજીના ક્ષેત્રમાં સ્ટાર્ટ-અપ સ્થાપિત કરવા મદદ કરવા તાલીમ આપશે. તાલીમબદ્ધ ઉદ્યોગસાહસિકો બ્લોકચેઇન ક્ષેત્રમાં તેમના સ્ટાર્ટઅપ સ્થાlપિત કરવા માટે જરૂરી ઉદ્યોગસાહસિકતા અને મેનેજમેન્ટ કુશળતાઓ સાથે ટેકનોલોજી સાથે સંબંધિત માહિતી લાવશે.”
તાલીમ ઇડીઆઇઆઈ અને કેરળ બ્લોકચેઇન એકેડેમીના નિષ્ણાતો દ્વારા ઓનલાઇન આપવામાં આવશે. પ્રોગ્રામનો ગાળો 14 દિવસનો હશે (6 દિવસ બ્લોકચેઇન તાલીમ + 8 દિવસ ઉદ્યોગસાહસિકતા અને મેનેજમેન્ટની તાલીમ). ઓછામાં ઓછા પાંચ પ્રોગ્રામ વર્ષમાં ઇડીઆઇઆઈ અને ડીયુકે દ્વારા હાથ ધરવામાં આવશે. આ પ્રોગ્રામ http://prajna.duk.ac.in પર ઉપલબ્ધ થશે.
આ કોર્સ બ્લોકચેઇનની મૂળભૂત બાબતો પર તેમજ સરકાર, બેંકિંગ, સપ્લાય ચેઇન્સ, પર્યાવરણ, આરોગ્ય અને અન્ય ક્ષેત્રો જેવા વિવિધ બિઝનેસ વર્ટિકલમાં ટેકનોલોજી કેવી રીતે લાગુ થઈ શકશે એના પર કેન્દ્રિત હશે. પ્રોગ્રામ ઉદ્યોગસાહસિકતાની સમજણ, સ્ટાર્ટઅપ્સની પરિભાષા, પોતાના ટેક સ્ટાર્ટઅપ વિચારો વિકસાવવા, ઉચિત કાયદેસર પાયો નાંખવો, સ્ટાર્ટઅપ માર્કેટિંગ, બ્રાન્ડિંગ, ફંડ ઊભું કરવા વગેરેની વિભાવનાનું વિશ્લેષણ પણ કરશે.
ઇડીઆઇઆઈ અને ડીયુકે એમ બંને સંયુક્તપણે પ્રોગ્રામને પ્રોત્સાહન કરશે અને આગામી દિવસોમાં બ્લોકચેઇન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે કોર્સની વિવિધ જાણકારીઓ આપવા કામ કરશે.