પ્લાઝ્માના કાળા બજાર કરતા બે શખ્સો ઝડપાયા
આરોપી અલગ અલગ હોસ્પિટલમાં પ્લાઝ્મા થેરાપીની જરૂરિયાત વાળા દર્દીને સોશિયલ મીડિયા થકી સંપર્ક કરતા
નોઇડા:કોરોના વાયરસ મહામારીના કપરા સમયમાં કોરોના દર્દીઓ માટે સંજીવની ગણાતા રેમડેસિવીર ઇન્જેક્શન, ટોસિલીઝૂમેબ અને ઓક્સીજનની બોટલોની કાળા બજારીનો ધંધો ચાલવા લાગ્યો હતો. જાે કે હવે આ બે ઇન્જેક્શનો ઉપર પ્લાઝ્માની પણ કાળાબજારીનો પર્દાફાશ થયો છે. ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધનગર જનપદના નોઈડા પોલીસ સ્ટેશન બીટા ૨ અને ક્રાઈમ બ્રાંચની ટીમે ગેરકાયદે રૂપથી પ્લાઝ્મા વેચી રહેલા બે લોકોને દબોચી લીધા હતા. આરોપી પ્લાઝ્માની કાળાબજારી કરીને તગડો નફો કરતા હતા. પોલીસે તેમની પાસે એક યુનિટ પ્લાઝ્મા, એક બ્લડ સેમ્પલ, એક કાર અને બે મોબાઈલ અને ૩૫,૦૦૦ રૂપિયા મળ્યા હતા.
એક તરફ આખો દેશ કોરોના મહામારીથી પરેશાન છે તો લોકો જરૂરી દવાઓ, ઓક્સીજન અને પ્લાઝ્મા માટે દર-દર ભટકી રહ્યા છે. ત્યારે બે આરોપીઓ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ગેરકાયદેસર રીતે પૈસા કમાવવામાં લાગ્યા હતા. આરોપી પ્લાઝ્મા થેરાપીવાળા જરૂરિયાતમંદ લોકો પાસેથી ૪૦,૦૦૦થી ૪૫,૦૦૦ રૂપિયા સુધી પ્રતિ યુનિટ પ્લાઝ્મા વેચીને તગડો નફો કરી રહ્યા છે. પોલીસની પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ જણાવ્યું કે તેઓ અલગ અલગ હોસ્પિટલોમાં પ્લાઝ્મા થેરાપીની જરૂરિયાત વાળા દર્દીઓને સોશિયલ મીડિયા થકી સંપર્ક કરતા હતા.
ત્યારબાદ ડોનરની સગવડ કરીને પ્લાઝ્માને ૪૦ હજારથી ૪૫ હજાર રૂપિયામાં વેચતા હતા. આરોપીએ અત્યાર સુધી એક યુનિટ પ્લાઝ્મા ગેરકાયદેસર રીતે વેચ્યાની કબૂલાત કરી હતી. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધીને જેલભેગા કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાની બીજી લહેરના કહેર વચ્ચે થોડાક દિવસથી નવા કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે.
પરંતુ ચિંતાની બાબત એ છે કે મૃત્યુઆંક સતત ચાર હજારની આસપાસ રહે છે. મંગળવારના ૨૪ કલાકમાં પણ ચાર હજારથી વધુ સંક્રમિત દર્દીઓનાં મોત થયા છે. બીજી તરફ એક્ટિવ કેસો પણ ૩૭ લાખથી વધુ છે. દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ૨.૫૪ લાખથી પણ વધી ગઈ છે.