પિતાને બચાવા ભવ્ય ગાંધીએ ખૂબ દોડધામ કરી હતી
મુંબઈ: ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શરૂઆતથી ઘણાં વર્ષો સુધી ટપ્પુનો રોલ કરીને પોપ્યુલર થયેલા એક્ટર ભવ્ય ગાંધી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ભવ્ય ગાંધી હાલ તેના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે કારણકે કોરોનાએ તેના પિતા છીનવી લીધા છે. ભવ્ય ગાંધીના પિતાએ એક મહિના સુધી પીડા વેઠ્યા બાદ મંગળવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
ભવ્ય ગાંધીની મમ્મી યશોદા ગાંધીએ સ્પોટબોયને આપેલા ઈન્ટરવ્યૂમાં એક મહિના સુધી તેમના પતિની કોરોના સામેની લડત, હોસ્પિટલોના ધક્કા, દવા મેળવવા માટે કરેલી દોડાદોડ અંગે વાત કરી છે. એક મહિના સુધી ગાંધી પરિવારે કેવી કેવી યાતનાઓ વેઠી તે જણાવવાની સાથે યશોદા ગાંધીએ આ વાયરસને હળવાશમાં ન લેવાની વિનંતી કરી છે. પતિ વિનોદ ગાંધીના નિધનથી ભાંગી પડેલાં યશોદાએ આપવીતી જણાવતાં કહ્યું, ગત વર્ષે કોરોના વાયરસ ભારતમાં આવ્યો ત્યારથી મારા પતિ અત્યંત કાળજી લેતા હતા. તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા હતા ઉપરાંત હંમેશા માસ્ક પહેરીને રાખતા હતા.
તેમ છતાં આ વાયરસ તેમના સુધી પહોંચી ગયો. એક મહિના પહેલા તેમણે અચાનક જ મને કહ્યું કે, તેમને તબિયત સારી નથી લાગતી માટે હું તેમની સાથે ના રહું અને બીજા રૂમમાં જઉં. એ વખતે તેમને કોઈ લક્ષણો પણ નહોતા. બીજા દિવસે સવારે હું તેમને જાેવા રૂમમાં ગઈ ત્યારે થોડો તાવ હતો અટલે મે તેમને દવા આપી હતી.
બપોર થવા આવી ત્યારે તેમણે કહ્યું કે, છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. માટે હું તાત્કાલિક તેમને ચેસ્ટ સ્કેનિંગ માટે લઈ ગઈ હતી. રિપોર્ટમાં તેમને ૫ ટકા ઈન્ફેક્શન થયું હોવાનું બહાર આવ્યું. ત્યારે ડૉક્ટરોએ મને કહ્યું કે, ચિંતાની વાત નથી અને તેઓ ઘરે જ આઈસોલેટ થઈને દવાઓ ચાલુ કરી શકે છે. અમે બે દિવસ સુધી આમ ચલાવ્યું પરંતુ તેમને આરામ ન મળ્યો.