Western Times News

Gujarati News

મહિલાને બિભત્સ મેસેજ કરતા યુવક સામે ફરિયાદ કરાઈ

Files Photo

રોમિયોએ ૪૦ જેટલી મહિલા કાઉન્સેલરને બિભત્સ મેસેજ કર્યા હતા, આ માટે તેણે એક ગ્રૂપ પણ બનાવ્યું હતું

અમદાવાદ: સમયની સાથે હવે સોશિયલ મીડિયા પર અને ફોન પર છેડતીના બનાવો વધી રહ્યા છે. રોમિયોગીરી કરતા યુવકો મહિલાઓને બીભત્સ મેસેજ મોકલે છે. આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગરમાં સામે આવ્યો. રોમિયોએ ગ્રુપ બનાવી ૪૦ જેટલા મહિલા કાઉન્સેલરને બિભત્સ મેસેજ કર્યા. ત્યારે આ વિશે ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં ફરિયાદ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે. સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશન બેઈઝ સપોર્ટ સેન્ટર મહિલા સહાયતા કેન્દ્રમાં કાઉન્સિલર તરીકે ફરજ બજાવતી મહિલા સંગીતાબેને ફરિયાદ કરી કે, તેમને વોટ્‌સએપમાં અજાણ્યા નંબર પર મેસેજ આવ્યો હતો.

જેમાં લખાયું હતું કે, હું સાગર બોલું છું. મહિલાએ આ નંબર ક્યાંથી મળ્યો તેવુ પૂછતા તેણે બિભત્સ મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતું. ત્યારે સંગીતાબેને તેનો નંબર બ્લોક કર્યો હતો. ત્યરા બાદ તેણે અન્ય એક નંબર પરથી ‘તુમ મેરા કુછ નહીં ઉખાડ શકતા’ના મેસેજ મોકલી, તારા ધણા ફોટા છે તે વાયરલ કરી દઇશ તેવું કહ્યું હતું. એટલુ જ નહિ, યુવકે સંગીતાબેન પાસેથી જાતીય સંબંધ બાંધવા માંગ કરી હતી. પણ યુવક આટલેથી અટક્યો નથી. તેણે મહિલાની છેડતી ચાલુ રાખી હતી. તેથી તેમણે ૧૦૮ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો.

ત્યારે ચોંકાવનારી હકીકત ખૂલી હતી. રોમિયોએ માત્ર સંગીતાબેનને જ નહિ, પરંતુ ૪૦ જેટલા મહિલા કાઉન્સેલરને બિભત્સ મેસેજ કર્યા હતા. આ માટે તેણે એક ગ્રૂપ પણ બનાવ્યું હતું. સેન્ટરની અનેક મહિલાઓને આવા મેસેજ આવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું. તેથી આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સુરેન્દ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.