Western Times News

Gujarati News

માત્ર ૧૨૦ સે. મિ.ની ઉંચાઇ ધરાવતી મહિલાનું પેટ અને ફેંફસા એક થયા બાદ પણ સફળ પ્રસુતી

સાથે પીઠમાં ખુંધ ધરાવતી મહિલાના ફેંફસા ગર્ભાવસ્થાને પરિણામે દબાવા લાગ્યા છતાં ડિલિવરી કરાવવામાં મળી સફળતા

આલેખન – મહેન્દ્ર પરમાર

દુનિયાની મેડીકલ હિસ્ટ્રીમાં જૂજ નોંધાતા કિસ્સાઓમાંનો એક દાહોદમાં બન્યો છે. ખૂબ જ ઓછી ઉંચાઇ ધરાવતી મહિલાને જેને પીઠ પર મોટી ખૂંધની તકલીફ પણ છે તેની અત્યંત ક્રિટિકલ કહી શકાય તેવી સ્થિતીમાં દાહોદના ડો. રાહુલ પડવાલે સફળ ડિલીવરી કરી છે. વિશ્વમાં સૌથી ઓછી હાઇટ હોય તેવી ૧૦૮ સેન્ટીમીટરની મહિલાની ડિલીવરી નોંધવામાં આવી છે. જયારે આ મહિલાની હાઇટ ફક્ત ૧૨૦ સેન્ટીમિટર હતી એટલે કે ૩ ફૂટ ૯ ઇંચ.

તેનું નામ અંતરબેન કૈલાસભાઇ ડાવર. રહેવાસી મધ્યપ્રદેશના અલીરાજપુરના કોલાબઇડા ગામના. તેમના  પતિ કૈલાસ પણ એક પગથી અપંગ હોય કરિયાણાની નાનકડી દુકાન ચલાવીને ગુજરાન ચલાવતા. ૩૨ વર્ષની ઉંમરે કૈલાસબેન સગર્ભા થયા હતા. ગર્ભાવસ્થાના છેલ્લા તબક્કામાં તેમની સ્થિતિ ખૂબ નાજૂક બની હતી. તેનું મુખ્ય કારણ તેમની ઓછી હાઇટ અને પીઠ પરની ખૂંધ હતી. મધ્યપ્રદેશના સ્થાનિક દવાખાનાના ડોક્ટરે તેમની સ્થિતિ જોતા તેમને મોટા હોસ્પીટલમાં લઇ જવા જણાવ્યું.

કૈલાસભાઇ તેમને દાહોદમાં લઇ આવ્યા. અહીં ત્રણેક જેટલા દવાખાને બતાવ્યું પણ કોઇ પણ ડોક્ટર અંતરબેનની હાલાત જોતાં કેસ હાથમાં લેવા તૈયાર થયા નહી. ખાસા રઝળપાટ બાદ તેઓ દાહોદના પડવાલ હોસ્પીટલ ખાતે સારવાર માટે આવ્યા. રાતના અઢી વાગે લગભગ બેશુદ્ધ હાલતમાં અંતરબેનને દાખલ કરવામાં આવ્યા. ડો. રાહુલે જોયું કે પેશન્ટ ખૂબ જ ગંભીર હાલતમાં હતું. તેમની ટૂંકી હાઇટને લીધે ફેફસું અને પેટ એક જેવા થઇ ગયા હતા. પરિણામે અંતરબેન શ્વાસ લઇ શકતા નહોતા. ઓક્સિજન લેવલ ૯૦ ટકા જેટલું થયું હતું. તાત્કાલિક ઓક્સિજન ચઢાવવો પડયો.

ડો. રાહુલ જણાવે છે કે, અંતરબેનને વેન્ટીલેટર પર રાખવા પડે તેવી સ્થિતિ હતી. તેઓ લગભગ બુશુદ્ધ બન્યા હતા. મોટી સમસ્યા તેમને એનેસ્થેશીયા આપવાનો હતો. જે ઓપરેશન માટે જરૂરી હતું. પરંતુ પીઠમાં ખુંધને કારણે જો જરા જેટલી પણ ભૂલ થાય તો દર્દીની જાન જઇ શકે એમ હતું. બીજી તરફ દર્દીનું ગર્ભાશય પણ ફાટી જાય તેવી સ્થિતિ હતી. એક તરફ બાળક ગર્ભમાં લેટ્રીન પણ કરી ગયો હોય સમય ખૂબ જ ઓછો હતો.

આવી ખૂબ જ ગંભીર સ્થિતિ હોવા છતાં અંતરબેન નશીબના બળીયા નીકળ્યા. ડો. પડવાલનો અનુભવ આ સમયે કામે લાગ્યો. અગાઉ પણ તેમણે ઘણાં ક્રિટિકલ કેસો સફળ રીતે પાર કર્યા હતા. અનેસ્થેશિયા સફળ રહ્યો અને ઓપરેશન પણ. અંતરબેનને ૨ કિલો ૯૦૦ ગ્રામનું તન્દુરસ્ત બાળકને જન્મ આપ્યો. અત્યારે માતા અને બાળક બંનેની સ્વસ્થ છે.

ડો. રાહુલ પડવાલ જણાવે છે કે, આવા કિસ્સા જવલ્લે જ બનાતા હોય છે. આટલી ઓછી હાઇટ, મોટી ઉંમર, પીડની ખૂંધ અને ક્રિટિકલ હાલત છતાં માતા-બાળકને બચાવી શકયા એ મેડકીલ મિરેકલ જ કહેવાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.