ઇઝરાઇલ-હમાસના યુદ્ધમાં અત્યાર સુધીમાં ૭૨ ના મોત; જેરૂસલેમ સહિત અનેક શહેરોમાં રમખાણો શરૂ
તેલઅવિવ: ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (સ્મોલ સ્કેલ વોર)માં અત્યાર સુધીમાં ૭૨ લોકોનાં મોત નીપજ્યાં છે. તેમાંથી ૬૫ પેલેસ્ટાઇનના છે. ગાઝા પટ્ટી વિસ્તારથી કરવામાં આવેલા હમાસના રોકેટ હુમલામાં ઇઝરાયલના ૭ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઇઝરાયલ હમાસને આતંકી સંગઠન માને છે. હમાસે અલ જઝિરાને કહ્યું, ‘ઇઝરાયલ તરફથી થયેલા હવાઇ હુમલામાં હમાસના ગાઝા શહેરના કમાન્ડર બસીમ ઇસા મૃત્યુ પામ્યો છે. ઘણા વધુ કમાન્ડરો પણ માર્યા ગયા છે.
ગાઝાના આરોગ્ય મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે મૃત્યુ પામનારા ૬૫ લોકોમાં ૧૬ બાળકો અને ૫ મહિલાઓ છે. ઇઝરાયલની એરસ્ટ્રાઇકમાં ૩૬૫ પેલેસ્ટાઇન ઘાયલ થયા છે. તેમાંથી ૮૬ બાળકો અને ૩૯મહિલાઓ છે. હમાસે અત્યાર સુધીમાં ઇઝરાયલ પર દોઢ હજારથી વધુ રોકેટ હુમલા કર્યા છે. હવે આ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થઈ ચૂકી છે. અમેરિકાએ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના નેતાઓ સાથે વાત કરીને યુદ્ધ રોકવા માટે અપીલ કરી છે. જ્યારે, ઇઝરાયલના ઘણા શહેરોમાં રમખાણો પણ શરૂ થઇ ગયા છે.
રાત્રે હમાસે ફરીથી ઇઝરાયલ પર રોકેટ હુમલો કર્યો હતો. હમાસે દાવો કર્યો હતો કે તેણે બુધવારની રાતથી ગુરુવાર સવાર સુધી ૧૮૦ રોકેટ ફેંક્યા હતાં. ગાઝા પટ્ટીથી એક રોકેટ લોન્ચ કરાયું હતું તે તેલ અવીવ શહેરના વસ્તીવાળા વિસ્તારમાં પડ્યું હતુ. હમાસના આ રોકેટ હુમલામાં ૫ વર્ષનું એક બાળક અને તેની માતા ગંભીર રીતે ઘાયલ થયા છે. સારવાર દરમિયાન બાળકનું બાદમાં હોસ્પિટલમાં મોત થયું હતું. આ ઉપરાંત ૨૦ લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ ઇઝરાયલની એરફોર્સે ગાઝા પટ્ટી પર હમાસના ૫૦૦થી વધુ અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા.
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેના યુદ્ધ પછી, યહૂદી અને અરબી વંશના લોકો વચ્ચે ઇઝરાઇલના ઘણા શહેરોમાં રમખાણો શરૂ થયા છે. તોફાનોના સૌથી વધુ બનાવ જેરુસલેમ, લોડ, હાઇફા અને સખાનિન શહેરમાં સામે આવ્યા છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે લોડ શહેરમાં ઈમરજન્સી લાદવી પડી. ૧૯૬૬ પછી આ પહેલી વાર છે જ્યારે અહીં તોફાનોને લીધે ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે.
રમખાણોમાં ૩૬ પોલીસ જવાન ઘાયલ થયા છે. ઇઝરાયલ પોલીસે આ રમખાણોમાં સામેલ ૩૭૪ લોકોની ધરપકડ કરી છે. ટાઇમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, હમાસના સિનિયર કમાન્ડરે લડાઈ સમાપ્ત કરવા બાબતે સંમત થયા છે, પરંતુ ઇઝરાયલ જાે કે આ માટે તૈયાર નથી.
અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને બુધવારે રાત્રે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી. બાઈડેને કહ્યું કે, ઇઝરાઇલ પર સેંકડો રોકેટ હુમલો થયા છે, એવા સમયે પોતાના નાગરિકોને સુરક્ષિત કરવાનો અધિકાર છે. બાઈડેને કહ્યું કે તેમને આશા છે કે લડાઈ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે.
અમેરિકી સંરક્ષણ પ્રધાન એન્ટની બ્લિંકને બુધવારે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કર્યા પછી ગુરુવારે પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે વાત કરી હતી. બ્લિકને જેરુસલેમ પશ્ચિમ કાંઠે અને ગાઝામાં થયેલા પેલેસ્ટાઇનના નાગરિકોના મોત પર દુખ વ્યક્ત કર્યું. તેમણે હમાસના રોકેટ હુમલાઓને ખોટા ગણાવ્યા હતા અને લડાઇને સમાપ્ત કરવાની ચર્ચા કરી.હમાસના હુમલામાં ભારતીય મહિલાનું પણ મોત નીપજ્યું છે. હમાસ મિસાઇલ હુમલામાં કેરળના ઇડુક્કી જિલ્લાની સૌમ્યા સંતોષ (૩૨)નું મોત થયું હતું. સૌમ્યા અશ્કેલન શહેરમાં એક ૮૦ વર્ષીય વૃદ્ધ મહિલાની સંભાળ રાખવાનું કામ કરતી હતી. સૌમ્યા છેલ્લા ૭ વર્ષથી ઇઝરાયલમાં રહેતી હતી. તેને ૯ વર્ષનો પુત્ર છે, જે તેના પતિની પાસે ઇડુક્કીમાં રહે છે.તેના પરિવારજનોને સોંપવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બુધવારે મુખ્યમંત્રી ઓફિસે કહ્યું કે તેઓ ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં છે. સીએમ પિનારાઇ વિજયને સૌમ્યાના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી હતી.
ઇઝરાયલ પર ગાઝા પટ્ટીથી નાખવામાં આવેલા મોટાભાગના રોકેટ આયરન ડોમ દ્વારા નષ્ટ કરવામાં આવ્યા હતા. તે એક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે જે રોકેટને ઓળખી કાઢે છે અને કાઉન્ટર મિસાઇલો લોન્ચ કરે છે. જેના કારણે રોકેટનો હવામાં જ નાશ થાય છે. તેનું પ્રથમ પરીક્ષણ ૨૦૧૨માં કરવામાં આવ્યું હતું. તેને ઇઝરાયલની સરકારી સંરક્ષણ એજન્સી ‘રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ્સ’ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. તે પહેલાં પણ ઇઝરાયેલે આયરન ડોમ દ્વારા હમાસના ૯૦% હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે.