ઓસ્ટ્રેલિયાની પદ્ધતિથી રાહુલ દ્રવિડે ક્રિકેટર્સ તૈયાર કર્યાઃ ચેપલ
બ્રિસ્બેન: ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે ઓસ્ટ્રેલિયાના પ્રતિભાશાળીઓની મદદથી ભારતના સ્થાનિક ક્રિકેટના માળખાને એટલું મજબૂત બનાવ્યું કે આજે ભારતની બી ટીમ કહેવાય તેવી ટીમ પણ ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર હરાવતી થઈ ગઈ છે, એમ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ખેલાડી ગ્રેગ ચેપલનું માનવું છે. ચેપલે જણાવ્યું હતું કે ભારત અને ઇંગ્લેન્ડ બંનેએ પ્રતિભાશાળી ખેલાડીઓનું પૂલ બનાવવાના મોરચે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું છે. આજે તેઓએ રચેલા પ્લેટફોર્મ પર પ્રતિભાશાળી ખેલાડી તરત ઉભરી આવે છે.
ભારત આટલું સફળ થયું કારણ કે ભૂતપૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડે ઓસ્ટ્રેલિયાના શાનદાર ક્રિકેટ મેનેજરોનો ઉપયોગ ભારતની સિસ્ટમને મજબૂત બનાવવા કર્યો. એક રીતે એમ કહી શકાય કે અમે જે કરતા હતા તેને દ્રવિડે રેપ્લિકેટ કર્યુ અથવા તો તેના જેવી જ સિસ્ટમ ભારતમાં જ બનાવી દીધી. ચેપલે ચેતવણી આપી હતી કે પ્રતિભાશાળી ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને તેમના સ્થાનિક માળખાના લીધે તેમની કારકિર્દી હાલમાં મુશ્કેલીમાં લાગી શકે છે.
તેમણે જણાવ્યું હતું કે વાસ્તવમાં અમારી પાસે યુવા ખેલાડીઓની પ્રતિભાને માન્યતા આપતી શ્રેષ્ઠ સિસ્ટમ હતી, પરંતુ હું માનું છું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થિતિ બદલાઈ છે. હું માનું છું કે પ્રતિભાશાળી ખેલાડીઓને ન્યાય આપવાના મોરચે ઇંગ્લેન્ડ અને ભારત હાલમાં ઓસ્ટ્રેલિયા કરતાં સારી કામગીરી બજાવી રહ્યા છે. આ જ કારણથી ભારત પાસે ઓસ્ટ્રેલિયાની શ્રેણી માટે કેપ્ટન વિરાટની ગેરહાજરી અને રીતસરની બી ટીમ હોવા છતાં પણ તે ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી ૨-૧થી જીતવામાં સફળ રહ્યુ હતું.
તેનું કારણ એ હતું કે ભારતની આ કહેવાતી બી ટીમના ખેલાડીઓ ઇન્ડિયા એ તરફથી રમી ચૂક્યા છે. આમ તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકટ રમવાનો અનુભવ છે. તેની સામે તેની સામે ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી વિલ પુકોવસ્કી અને કેમરુન ગ્રીન પાસે ઓસ્ટ્રેલિયાની બહાર રમવાનો કોઈ અનુભવ જ ન હતો. ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયાના નેશનલ ટેલેન્જ મેનેજર તરીકે કામ કરનારા ચેપલે ઓસ્ટ્રેલિયાના મેન્સ ક્રિકેટના સ્થાનિક શેડયુલમાં ધરખમ ફેરફારો કરવા કહ્યું છે.