અમદાવાદ મ્યુનિ. શાળાના ૩૭૨ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ માટે પસંદ થયા
(પ્રતિનિધિ)અમદાવાદ, રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને નાણાંકીય તકલીફના કારણે અભ્યાસ છોડવો ન પડે તેમજ તેઓ ધો. ૧૨ સુધી વિના વિઘ્ને અભ્યાસ કરી શકે તે આશયથી ધોરણ ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા લેવામાં આવે છે. જેમાં મ્યુનિ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૩૭૨ વિદ્યાર્થીઓએ ઉચ્ચ ક્રમાંક મેળવ્યો હોવાથી તેમને રાષ્ટ્રીય કક્ષાની શિષ્યવૃત્તિ માટે પસંદ કરવામાં આવ્યા છે.
મ્યુનિ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડૉકટર લબ્ધીર દેસાઈએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતુ કે ભાવી સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયની સૂચના મુજબ રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ માટે પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ધોરણ ૮ માં અભ્યાસ કરતા ૫૪૧૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે પૈકી ૩૭૨ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે પસંદ થયા છે.
રાજ્યમાં સતત પાંચમા વરસે અમદાવાદ મ્યુનિ. શાળા મોખરે રહી છે. મેરીટમાં આવેલા તમામ વિદ્યાર્થીઓને દર મહીને રૂા. એક હજાર શિષ્યવૃત્તિ મળશે. આ વિદ્યાર્થીઓને ધો. ૯ થી ધો. ૧૨ સુધી ના અભ્યાસ માટે ભાવી સરકાર તરફથી શિષ્યવૃત્તિ આપવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.