દેશમાં મ્યુકોરમાઈકોસિસના સૌથી વધુ કેસ રાજકોટમાં, કેન્દ્રની ટીમનો જીવ પણ ઉંચો થયો
રાજકોટ: દેશમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસના રાજકોટમાં કેસ નોંધાયા છે. આ કારણે દિલ્હીની ટીમ પણ હરકતમાં આવી છે. બુધવારે રાત્રે એઇમ્સના ડાયરેકટર ડો. ગુલેરિયા, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, દેશના અગ્રણી તબીબો અને રાજકોટ સિવિલ હોસ્પિટલના તમામ અધિક્ષકો હાઈ લેવલની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાતમાં રાજકોટ અને અમદાવાદમાં જ સૌથી વધુ ત્રણ આંકડામાં મ્યુકોરમાઈકોસિસના કેસ નોંધાયા છે.
રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના ૨૧૨ કેસ દાખલ અને દરરોજ નવા ૫૦ દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. એઇમ્સના ડાયરેકટર ડો. ગુલેરિયાએ સૌથી વધુ મ્યુકર વોર્ડ શરૂ કરવા, સર્જરી શરૂ કરવા અને ઇન્જેક્શન જથ્થો મેળવવા માટે તંત્રને આદેશ કર્યા છે. તેમણે રાજકોટને મ્યુકોરમાઇકોસિસની સારવારનું રોલ મોડેલ બનાવવુ જાેઈએ અને જે મદદ જાેઈએ તે મળી રહેશે તેવી ખાતરી આપી હતી.
રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના કેસો વચ્ચે ચિંતાજનક સમાચાર એ છે કે, રાજકોટમાં આ ટ્રીટમેન્ટ માટે વપરાતા ઈન્જેક્શનની અછતને કારણે દર્દીના ઓપરેશન અટકાવવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. મ્યુકરમાં વપરાતા એમ્ફટેરિસીન નામના ઇન્જેક્શનની અછત પડી છે. ઓપરેશન બાદ દર્દીને ૭૦ ડોઝના કોર્સ કરવાની જરૂર પડે છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મ્યુકરમાઇકોસિસનો કહેર જાેવા મળ્યો છે. રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગરના ૯ દર્દીના આ બીમારીથી મોત થયા છે. સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસથી જામનગરમાં ૫ મોત થયા છે. જેમાં રાજકોટમાં ૩ મોત, સુરેન્દ્રનગરના ૧ દર્દીનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે.
તો બીજી તરફ, રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસની સર્જરી માટે લાબું વેઇટિંગ લિસ્ટ છે. આ કારણે દર્દીઓને યોગ્ય સમયે સારવાર નથી મળી રહી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસના દર્દીઓની હાલત કફોડી બની છે ઓપીડી બિલ્ડિંગમાં નીચે ગાદલા નાંખીને સારવાર કરાઈ રહી છે. ૪૦૦ બેડની વ્યવસ્થા કરી હોવાના તંત્રના દવાઓ પોકળ સાબિત થયા થયા છે. ઈન્જેક્શનની અછતને કારણે એક અઠવાડિયાથી દર્દીઓને ઇન્જેક્શન અપાયા ન હોવાનો પરિવારજનો દ્વારા આરોપ કરાઈ રહ્યો છે.