ગુજરાતમાં બે મહિનામાં ૧.૨૩ લાખથી ડેથ સર્ટિફિકેટ અપાયા
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ૭૧ દિવસમાં કુલ ૧.૨૩ લાખ ડેથ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે જે બાદ કોરોનાથી થઈ રહેલ મોતના આંકડા પર આશંકા ઊભી થઈ છે.ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. કોરોના વાયરસના વધતાં કેસ અને હાહાકર જેવી પરિસ્થિતિ વચ્ચે સંક્રમણની બીજી લહેરમાં ઘણા બધા લોકો દ્વારા સરકારના આંકડાઓ સામે સવાલો ઊભા કરવામાં આવ્યા છે. દેશ જ નહીં વિદેશી મીડિયાએ પણ દાવો કર્યો છે કે ભારતમાં કોરોના વાયરસના કારણે થઈ રહેલી મોતના આંકડા સરકાર બતાવે છે તેના કરતાં ઘણા વધારે હોય શકે છે.
ગુજરાતમાં પણ કોરોના વાયરસના કારણે થઈ રહેલી મોતના આંકડાઓ સામે આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને ઘણીવાર સરકાર જ પોતાના આંકડાઓમાં ગોથાં ખાતી હોય તેવી ઘટનાઓ સામે આવી છે. કોંગ્રેસ દ્વારા પણ વારંવાર સરકારના મોતના આંકડા સામે સવાલો કરવામાં આવે છે ત્યારે હવે સરકારના જ વિભાગો સરકારના આંકડાઓની પોલ ખોલી રહ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા કોરોના વાયરસની પરિસ્થિતિ પર જે આંકડા બહાર પાડવામાં આવે છે તે અનુસાર રાજ્યમાં છેલ્લા ૭૧ દિવસમાં ૪૨૧૮ દર્દીઓના કોરોના વાયરસના કારણે મોત થયા છે. પરંતુ સરકારના જ વિભાગ વારા ૧.૨૩ ડેથ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવે છે. પહેલી માર્ચથી ૧૦ મે સુધીમાં ગુજરાતમાં ૧,૨૩,૮૭૧ ડેથ સર્ટિફિકેટ કાઢવામાં આવ્યા છે જેમાં અમદાવાદમાં ૭૧ દિવસમાં ૧૩,૫૯૩ ડેથ સર્ટિ ઈશ્યૂ થયા હોવાનું સામે આવ્યું છે. ચાર મોટા શહેરમાં ૭૧ દિવસમાં કેટલા ડેથ સર્ટિફિકેટ ઇશ્યૂ થયા તેમાં અમદાવાદ ૧૩,૫૯૩ સુરત ૮૮૫૧ રાજકોટ૧૦,૮૮૭ વડોદરા ૪૧૫૮ છે.