માલપુરના હેલોદર નજીક ઝાડી-ઝાંખરામાંથી ત્યજી દીધેલ બાળક મળ્યું
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા, એકતરફ ‘મા તે મા, બીજા બધા વગડાના વા’ જેવી કહેવતો સાંભળવા મળે છે, તો બીજી અરવલ્લી જીલ્લામાં જનેતા જ નિષ્ઠુર બની હોય તેવા દ્રશ્યો જાેવા મળ્યા હતા એક તરફ સમગ્ર દેશમાં અને રાજ્યમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવયો છે
લોકો જીવ બચાવવા દર-દર ભટકી રહ્યા છે ત્યારે નિષ્ઠુર માં ના અમાનીય કૃત્ય સામે આવતા લોકોમાં ભારે આક્રોશ છવાયો છે માલપુર તાલુકાના હેલોદર ગામ નજીક ઝાડી-ઝાંખરામાં ત્યજી દીધેલ નવજાત બાળકી મળી આવતા હાહાકર મચી ગયો છે. નિષ્ઠુર માતા તેના નવજાતને મરવા માટે છોડી ગઈ હતી પરંતુ કુદરતની ગતિ ન્યારી છે.
રડતા બાળકનો અવાજ સાંભળતાની સાથે જ નજીકમાં રહેલા આશાવર્કર બહેન તાબડતોડ પહોંચી આ નવજાત બાળકને માલપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડી બચાવી લીધું હતું માલપુર પોલીસે નજાવત શીશુને તરછોડનાર અજાણી માતા સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
માલપુર તાલુકાના હેલોદર પંથકના પેટા પરા ખાતું પગીના મુવાડા ગામ નજીક ઝાડી-ઝાંખરા વચ્ચે ફૂલ જેવા નવજાત બાળકને રૂમાલમાં વીંટીને કોઈએ અગમ્ય કારણોસર તરછોડી દેતા અહીં થી પસાર થતા સવિતાબેન પ્રવીણભાઈ પગી નામના આશાવર્કરને બાળક રડવાનો અવાજ સાંભળતા ચોકી ઉઠ્યા હતા
તેમને પળનો પણ વિચાર કર્યા વગર બાળકને ઝાડી-ઝાંખરામાંથી ઉંચકી લીધું હતું નવજાત બાળક મળી આવતા લોકોનો ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા બાળકની તબીયત નાદુરસ્ત જણાતા તાબડતોડ માલપુર સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડી દીધું હતું આ અંગે માલપુર પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી હતી તરછોડાયેલ બાળકની હાલત સ્વસ્થ છે પોલીસે બાળકને કોણ તરછોડી ગયું તે દિશામાં તપાસ હાથ ધરીને યોગ્ય કાર્યવાહી હાથધરી હતી.
રામ રાખે તેને કોણ ચાખે એમ આ બાળક ના ભાગ્યમાં કંઈ બીજુ જ લખાયેલ હશે કે આ બાળકને જંગલી જાનવર કે કુતરા ન લઈ ગયા અને આશાવર્કર મહિલા ત્યજી દેવાયેલ બાળક માટે ભગવાન સાબીત બની હતી અને તાબડતોડ સારવાર અર્થે ખસેડી નવજીવન આપ્યું હતું આ પ્રકારની ઘટનાઓના કારણે જ સરકારે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ ના અભિયાન ચલાવવા પડે છે ત્યારે સમાજના કેટલાક લોકોની વરવી માનસિકતા આવી ઘટનાઓથી છતી થાય છે.*