વિંદુ દારા સિંહની પત્ની તેમજ દીકરી રશિયામાં છે
મુંબઈ: ભારતમાં કોવિડ-૧૯ના કેસ વધતાં વિંદુ દારા સિંહની પત્ની અને મોડલમાંથી આન્ત્રપ્રિન્યોર બનેલી ડીના ઉમારોવા દીકરી અમેલિયા સાથે રશિયા જતી રહી છે. ભારતમાં સ્થિતિ સામાન્ય થયા બાદ જ બંને પાછા ફરશે. બંનેએ તાત્કાલિક પ્લાન બનાવ્યો હતો. કોરોના વાયરસની નવી લહેરમાં ખાસ કરીને ઈન્ટરનેશનલ રુટ પર કેટલાક પ્રતિબંધો હોવાથી મા-દીકરી ચાર ફ્લાઈટ બદલીને પોતાના વતન પહોંચી હતી.
જ્યારે આ અંગે વિંદુનો સંપર્ક કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે, હા, તેઓ હાલ રશિયામાં છે. જ્યારે ભારતમાં ખાસ કરીને મુંબઈમાં સ્થિતિ કાબૂ બહાર જતી રહી ત્યારે અમે ડરી ગયા હતા. હું પોઝિટિવ અને શાંત રહેવામાં સફળ રહ્યો છું પરંતુ ડીનાને પ્રકૃતિની વધારે નજીક રહેવું ગમે છે અને તે વધારે ઘરમાં રહી શકતી નથી, તેથી તેના માટે થોડું કપરું હતું. તે ગયા વર્ષથી આ પ્લાનિંગ કરતી હતી. વધુમાં ગયા વર્ષે તેના પિતાનું નિધન થયું હતું.
તેથી મેં તેને ત્યાં જવાનું કહ્યું હતું. રશિયામાં સ્થિતિ સારી છે. ત્યાં પહોંચીને બંને ખુશ છે. હું એક મહિના બાદ ત્યાં જઈશ. વિંદુ પત્ની અને દીકરીને ખૂબ મિસ કરી રહ્યો છે. હા, તેમના વગર થોડું અઘરું છે. તેઓ મારો સપોર્ટ, શક્તિ તેમજ બધુ છે. ડીનાની મમ્મી પણ ત્યાં એકલી છે.
તેથી તેઓ તેમની પાસે રહીને તેમનું ધ્યાન રાખી શકશે, તેમ વિંદુએ કહ્યું. ડીના અને અમેલિયા પહેલા મુંબઈથી દિલ્હી ગયા હતા અને ત્યાંથી મોસ્કો ગયા હતા. બાદમાં તેઓ મોસ્કોથી રશિયાના સેન્ટ પિટરબર્ગ પહોંચ્યા હતા. અમેલિયા જગ્યા જાેવા માગતી હતી. તેથી, તેઓ થોડા દિવસ ત્યાં રહ્યા હતા અને ગુરુવારે બપોરે તેઓ અન્ય ફ્લાઈટથી ડીનાના વતન સાઈબેરિયા પહોંચ્યા હતા. ડીના રશિયા ગઈ હોવા છતાં ભગવાનને પ્રાર્થના કરી રહી છે કે, ભારતમાં સ્થિતિ ફરીથી સારી થઈ જાય. બંને ખૂબ જ ચિંતિત છે. પરંતુ મેં તેમને ધ્યાન કેન્દ્રિત કરવાનું અને પ્રાર્થના કરતા રહેવાનું કહ્યું છે. મહામારીના કારણે ડીનાના બિઝનેસને પણ અસર પહોંચી છે, જાે કે તેઓ આ બાબતે જરાય ચિંતિત નથી. ‘ગયા વર્ષે અમે સ્ટાફને આખી સેલેરી આપી હતી. જ્યારે ડીના અહીંયા નથી ત્યારે તેનો સ્ટાફ બધું મેનેજ કરી રહ્યો છે, તેમ વિંદુએ કહ્યું.