કર્ણાટક કોંગ્રેસના સાંસદ અને ધારાસભ્યો વેકસીન ખરીદવા ૧-૧ કરોડ આપશે
બેંગલુરુ: દેશમાં કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે ઘણા રાજ્યોમાં વેક્સીનની ભારે કમી જાેવા મળી રહી છે. વેક્સીનની કમી માટે રાજનીતિ પણ જાેવા મળી રહી છે પરંતુ આ દરમિયાન કર્ણાટક કોંગ્રેસે એક બહુ સારી પહેલ કરી છે. વાસ્તવમાં, કોંગ્રેસના કર્ણાટક એકમે એલાન કરીને કહ્યુ કે રાજ્યમાં પાર્ટીએ વેક્સીન નિર્માતાઓ સાથે સીધા વેક્સીન ખરીદવા માટે ૧૦૦ કરોડ રૂપિયાનો એક પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન અનુસાર પાર્ટીના સાંસદ, ધારાસભ્ય અને નેતાઓ કોરોના વેક્સીન ખરીદવા માટે પોતાના સ્થાનિક ક્ષેત્ર વિકાસ નિધિ(એલએડી)માંથી ૧૦૦ કરોડ રૂપિયા આપશે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારે કેન્દ્ર અને રાજ્ય સરકારને આ પ્લાન માટે મંજૂરી માંગી છે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યુ કે કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની યેદિયુરપ્પા સરકાર લોકોનુ રસીકરણ કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે
માટે અમે જાતે આ કામ કરવા માંગીએ છીએ. અમને બસ કેન્દ્ર અને રાજ્ય પાસેથી મંજૂરી મળવાની રાહ છે. શિવકુમારે જણાવ્યુ કે રાજ્યમાં કુલ ૯૫ સાંસદ, ધારાસભ્યો છે. આ બધા વેક્સીન ખરીદવામાં ૧-૧ કરોડ રૂપિયા આપશે. શિવકુમારે જણાવ્યુ કે શરૂઆતમાં રાજ્ય પાર્ટી ફંડથી ૧૦ કરોડ રૂપિયાનુ યોગદાન આપવામાં આવશે. જ્યારે બાકીના ૯૦ કરોડ રૂપિયા ધારાસભ્યો, સાંસદ અને એમએલસી ભેગુ કરશે.
તેમણે કહ્યુ, ‘અમે પોતાના વિસ્તારમાં બધા વિકાસ કાર્યો રોકવા માટે તૈયાર છે. વિકાસ કાર્યો કરવાના બદલે લોકોના જીવ બચાવવા અમારી પહેલી ફરજ છે.’ તેમણે કહ્યુ કે પાર્ટી મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને પત્ર લખીને તેમના તરફથી આપવામાં આવેલી રકમનો ઉપયોગ રસી ખરીદવા માટે કરવા માટે કહેશે. ત્યારબાદ રાજ્યના કોંગ્રેસ એકમે એક નિવેદનમાં કહ્યુ કે એલએડીના કોષનો ઉપયોગ કરવા માટે તેમણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે.