કોવિડ હોસ્પિટલ-ઓક્સિજન પ્લાન્ટમાં બેકઅપ અપાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/oxygen-2.jpg)
પ્રતિકાત્મક
ગાંધીનગર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ અને દીવ-દમણના પ્રશાસક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંભવિત વાવાઝોડાની સ્થિતિના સામના માટે રાજ્યોના આયોજનની તલસ્પર્શી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવનગરથી વીડિયો કોન્ફરન્સમાં જાેડાયા હતા.
મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી સાથેની વીડીયો કોન્ફરન્સમાં સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં ગુજરાતની પૂર્વ તૈયારીઓની સજજતાથી માહિતગાર કર્યા.
ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાના વહીવટી તંત્રને સાબદુ કરાયું છે. ગુજરાતના તમામ માછીમારો દરિયામાંથી સલામત પરત ફર્યા છે. કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખી કોવિડ કેર સેન્ટર અને ઓક્સિજનના પુરવઠા વિષયે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં વિક્ષેપ રહિત વીજ પુરવઠા માટે સઘન આયોજન કરવામા આવ્યુ છે.
ઓક્સિજનનો પુરવઠો અવિરત મળે તે માટે ક્રિટીકલ વૈકલ્પિક રુટ તૈયાર રખાયા છે. તાકીદની સ્થિતિમાં ઓક્સિજનના બફર સ્ટોકની પણ વ્યવસ્થા ગુજરાતે અગમચેતી રૂપે કરી છે.
ગુજરાત રાજ્ય “ઝીરો કેઝ્યૂઅલ્ટી” અભિગમ સાથે “તાઉંતે” વાવાઝોડાનો સામનો કરવા સજ્જ છે, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની પરિસ્થિતિમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કોવિડગ્રસ્ત દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યું છે
અને વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉભી કરી છે. જાે વાવાઝોડું ત્રાટકે તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કોવીડ હોસ્પિટલોને “વીન્ડ પ્રૂફીંગ” બનાવવા માટેની તૈયારી સંદર્ભે જરુરી દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે.