બારડોલીના ખલી ગામમાં કોરોનાનો એક પણ કેસ નહીં
બારડોલી, કોરોનાની બીજી લહેરની તબાહીએ સૌને હચમચાવી મુક્યા છે ત્યારે વાત કરીએ બારડોલી તાલુકાના ખલી ગામની. આ ગામમાં માત્ર ૩૫૦ લોકોની વસ્તી છે. જ્યાં કોરોના કાળના ૧૫ મહિના થવા આવ્યા છતાં આ ગામમાં એક પણ પોઝિટિવ દર્દી નોંધાયો નથી.
સરકાર એક તરફ કોરોનાને નાથવા ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ અંતર્ગત અભિયાન ચલાવી રહી છે તો બીજી તરફ સુરત જિલ્લાના બારડોલી નગરને અડીને આવેલું ખલી ગામ, કે જે ગામના લોકોએ લોકોના સંપર્કથી દૂર રહી સાચા અર્થમાં ખલી ગામ કોરોના મુક્ત ગામ રાખ્યું છે.
કોરોનાની બીજી લહેરે શહેરો તો ઠીક નાના નાના ગામોમાં પણ પોતાનો કહેર વરસાવીને કેટલાક લોકોના ભોગ લીધા છે. સુરત જિલ્લામાં એક પણ ગામ કોરોનાની કહેરથી દૂર નથી રહ્યું ત્યારે માત્ર ૩૫૦ લોકોની વસ્તી ધરાવતા ગામમાં આજ દિન સુધી એકપણ વ્યક્તિ સંક્રમિત થયું નથી.
ત્યારે આજરોજ સ્થાનિક ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી ઈશ્વર પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ સહિતના આગેવાનોએ ગામની મુલાકાત લીધી હતી. ખલી ગામને કોરોના મુક્ત ગામ રાખવામાં સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમની પણ ઘણી મહેનત છે.
ખલી ગામમાં માત્ર બે ફળિયા આવેલા છે અને ત્યાં વસતા લોકો માટે આફવા વેરનેસ સેન્ટરનો સ્ટાફ પણ સતત કાર્યરત રહે છે. સ્થાનિક લોકોને માસ્ક વિતરણ, ઇમ્યુનિટી વર્ધક દવાઓ વિતરણ, સેનેટાઈઝર વિતરણથી લઈ દર બીજા દિવસે ગામના તમામ લોકોનું ઓક્સિમીટર દ્વારા ઓક્સીજન લેવલ માપવામાં આવી રહ્યું છે.
જેને પગલે કોરોના કાળના ૧૫ મહિના વીતી જવા છતાં અહીં એક પણ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયો નથી. સરકાર અને સામાજિક સંસ્થાઓ માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા લોકોમાં જાગૃતિ લાવવા કઈ કેટલા પગલાંઓ ભરી રહી છે. છતાં હજુ પણ લોકો માસ્ક પહેરવાનું ટાળે છે જેને કારણે દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે. તો બીજી તરફ આદિવાસી વસ્તી ધરાવતું અને ખેતમજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ખલી ગામના તમામ લોકો માસ્ક ફરજીયાત પહેરે છે.