Western Times News

Gujarati News

કોરોનાએ માળો વિંખ્યો : પરિવારમાં પિતા, પુત્ર અને પુત્રવધૂનું કોરોનાથી મોત

સુરત: સુરત શહેર સાથે જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. બારડોલીમાં કુલ ૪૬૧૭ કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં ૬૪ લોકોના મોત નીપજ્યા છે. દરમિયાન બારડોલીના એક જ પટેલ પરિવારના ત્રણ લોકોને આઠ દિવસમાં કોરોના ભરખી જતા શોકની કાલિમાં છવાઈ ગઈ હતી. પહેલાં પુત્રવધૂ ત્યારબાદ પિતા-પુત્રનું કોરોનાથી મોત થતા બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.
બારડોલીમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. મહામારીમાં અનેક પરિવારના માળા વિખેરાઇ ગયા છે. કોઈ બાળકે માતા-પિતા ગુમાવ્યા છે તો કોઈ માતા-પિતાએ પોતાનો જુવાનજાેધ દીકરો ગુમાવ્યો છે. આ બધા વચ્ચે બારડોલીની હૂડકો સોસાયટી નજીક આવેલી બજરંગ વાડીમાં રહેતા કાછિયા પાટીદાર પરિવારમાં કોરોના કાળ બનીને ત્રાટક્યો હતો. કોરોના ૮ દિવસમાં પિતા, પુત્ર અને પુત્રવધૂને ભરખી જતાં પરિવારનો માળો વિખેરાઇ ગયો હતો. ૩જી મેના રોજ પુત્રવધૂના મોત બાદ ૧૦મીએ બંને પિતા પુત્રના મોત નિપજતા શોકની કાલિમા છવાઈ ગઈ હતી.

બારડોલીની હૂડકો સોસાયટી પાસે આવેલ બજરંગવાડીમાં રહેતા બાબુભાઇ મંગુભાઈ પટેલ તેમની પત્ની, પુત્ર મનીષકુમાર, પુત્રવધૂ પૂર્વીબેન તેમજ બે પૌત્રો વર્ષીલ અને દેવાંશુ સાથે રહેતા હતા. જ્યારે તેમનો નાનો પુત્ર જયેશ અને પુત્રી હાલ યુ.કે.માં સ્થાયી થયા છે. કોરોનાની મહામારીએ વિસ્તારમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે બારડોલીનો આ પટેલ પરીવાર પણ કોરોનાની ગંભીર બીમારીની ચપેટમાં આવ્યો હતો.

પહેલા પુત્રવધૂ પૂર્વી ત્યારબાદ પિતા બાબુભાઈ પટેલ અને બાદમાં પુત્ર મનીષ કોરોનાની ચપેટમાં આવતા તેમને વારાફરતી અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સઘન સારવાર બાદ ૩ મેના રોજ પૂર્વીએ પોતાનો દેહ છોડી દીધો હતો. હજી આઠ દિવસ ન હતા થયા કે ૧૦મીની સવારે બાબુભાઈ પટેલેનું નિધન થયું હતું અને એ જ રાત્રે તેમના પુત્ર મનીષનું પણ અવસાન થતાં સમગ્ર પટેલ સમાજ ઉપરાંત બારડોલીની સહકારી, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં શોકની લહેર વ્યાપી ગઈ હતી.

બાબુભાઇ પટેલ બારડોલીની જે.એમ.પટેલ હાઈસ્કૂલના મંત્રી ઉપરાંત ગોવિંદાશ્રમ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ એક સારા ખેડૂત હોવાની સાથે બારડોલી નગર ખેડૂત સમાજના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. આ ઉપરાંત બારડોલીની પ્રતિસ્થિત ગણાતી ધી બારડોલી નાગરિક સહકારી બેન્કના વાઇસ ચેરમેન પણ રહ્યા હતા. તેમજ કાછિયા પાટીદાર સમાજમાં પણ તેઓ ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. આ ઉપરાંત તેમનો પુત્ર અને પુત્રવધૂ બારડોલીના સ્ટેશન વિસ્તારમાં પતંજલિ સ્ટોર ચલાવતા હતા.

બાબુભાઇ પટેલ, પુત્ર મનીષ અને પુત્રવધૂ પૂર્વીના મોતના પગલે પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્રણેયના મોતથી હવે ઘરમાં બાબુભાઈના પત્ની અને બે પૌત્રો રહ્યા છે. જેઓ નાની ઉંમરમાં કઠણ હ્રદયે એક સાથે માતા-પિતા અને દાદાની વિધિ કરવી પડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.