STના કર્મચારીઓને સહાય સંદર્ભે એક કર્મીએ મુંડન કરાવ્યું
![GSRTC st bus gujarat](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/gsrtc-1-scaled.jpg)
પ્રતિકાત્મક
એસટી કર્મીઓને કોરોના વોરિયર્સ ન ગણાતા વિરોધ-રાજકોટના બે અધિકારીઓએ મૃત્યુ પામેલા ૧૮ કર્મીના પરિવારને સહાય માટે ફાળો ઊઘરાવવાનું શરૂ કરી દીધું
રાજકોટ, રાજકોટના મુસાફરો સાથે સીધો સંપર્ક ધરાવતા એસટીના કર્મચારીઓને રાજ્ય સરકારે કોરોના વોરિયર્સ ન ગણી સહાય ન કરતા રાજકોટની લાઈન ચેકિંગ શાખાના બે અધિકારીએ સૌરાષ્ટ્રના પાંચ ડિવીઝનમાં મૃત્યુ પામેલા ૧૮ કર્મચારીઓના પરિવારને સહાય માટે ફાળો ઉઘરાવવાનું શરુ કર્યું છે. સરકારના વિરોધમાં મુકેશસિંહ જાડેજા નામના કર્મચારીએ મુંડન કરાવી વિરોધ અને મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ઓનલાઈન ફાળામાં રૂ.૧ લાખ તો એકઠા થઇ ગયા છે. પરંતુ તે અપૂરતી જણાતા હવે બસસ્ટેન્ડ પર પેટી મૂકાઈ છે. રાજકોટ એસટી ડિવીઝનના લાઈન ચેકિંગ સ્ટાફના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર મુકેશસિંહ જાડેજા અને આર.પી.સોલંકીએ રાજકોટ ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, જામનગર અને અમરેલી વિભાગમાં કોરોનાથી મૃત્યુ પામતા કર્મચારીના પરિવારને ઓછામાં ઓછી રૂ.૧૦ હજારની સહાય કરી શકાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
લાઈન ચેકિંગના અધિકારી મુકેશસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ એસટી કર્મીઓ માટે ઓક્સિજન સિલીન્ડરની વ્યવસ્થા કરી છે. એસટી કર્મી કોરોના સંક્રમિત થાય તો તેને હોસ્પિટલ પહોચાડવામાં મદદ કરી અને હાલ અત્યાર સુધીમાં ત્રણ કર્મીઓ માટે મ્યુકરમાઈકોસિસના ઇન્જેક્શનની વ્યવસ્થા કરી આપી છે.
માટે ગત ૭મેથી ઓનલાઈન ફાળો ઉઘરાવવાનું શરૂ કરતા એક અઠવાડિયામાં રૂ.૧ લાખ એકઠા થયા છે. જાેકે હવે ડિવીઝનના તમામ બસ સ્ટેન્ડ પર પેટી મૂકાઈ છે. જેમાં એસટીના વિભાગીય નિયામક યોગેશ પટેલે રૂ.૧૧૦૦ સહીત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત મુસાફરો પણ સહાય કરી રહ્યાં છે. ત્યારે સરકારને એટલી જ વિનંતી છે કે એસટીના કર્મીઓને વહેલી તકે કોરોના વોરિયર્સ જાહેર કરી રૂ.૨૫ લાખની સહાય આપવામાં આવે.