વાવાઝોડાની મેઘલી રાતે રાજકોટ જિલ્લામાં અવતરેલા ૧૨ નવજાત શિશુઓ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Delivery-1024x1024.jpeg)
તાઉતે વાવાઝોડાના પ્રારંભે ૧૭ મી મેની મેઘલી રાતે રાજકોટ જિલ્લાના વિવિધ સરકારી આરોગ્ય કેન્દ્રમાં ૧૨ નવજાત શિશુઓ પૃથ્વી ઉપર અવતર્યા છે અને “રામ રાખે તેને કોણ ચાખે” ઊક્તિને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે.
રાજકોટ જિલ્લા પંચાયતના આર.સી.એચ. અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે સાણથલી, વિંછીયા, જસદણ, ધોરાજી, ગોંડલ અને ઉપલેટાના સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે એક એક બાળક તથા જેતપુરના આરોગ્ય કેન્દ્ર ખાતે બે બાળકોના જન્મ ૧૭મી મેની રાત્રીએ થયા છે.
સોનુબેન શંભુભાઈ પરમારે જસદણ ખાતે, કુજીલાતબેન સરફરાઝભાઇ ગરાણાએ ધોરાજી ખાતે તથા સોનલબેન દિલીપભાઈ કુબાવતે ગોંડલ ખાતે સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો છે તથા માતા અને બાળક બંનેની તબિયત સારી છે, તેમ ડોક્ટર ભંડેરીએ વધુમાં ઉમેર્યું હતું.
રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓએ વાવાઝોડાની અતિ વિકટ પરિસ્થિતિમાં પણ પ્રસૂતા મહિલાઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ વગર સલામત પ્રસૂતિ કરાવી છે, જેને લીધે ગ્રામ્ય પ્રજાએ રાજ્ય સરકારમાં મુકેલો વિશ્વાસ વધુ એક વાર સાર્થક થયો છે.