પિરાણા ખાતે બોટલિંગ પ્લાન્ટ પણ ફેલ
અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.એ એસટીપી પ્લાન્ટના સ્લજમાંથી ઉત્પન્ન થતાં મિથેન ગેસને એલપીજીમાં કનવર્ટ કરી બોટલમાં ભરી વેચાણ કરવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. જેમાં પિરાણા બોટલિંગ પ્લાન્ટ કાર્યરત કરાયો હતો. જેમાં મ્યુનિ.ને કરોડો રૂપિયાની આવક થશે. તેવું સપનું બતાવવામાં આવ્યું હતું પણ આજદિન સુધી આવકની તો મ્યુનિ.ને પાંચ કરોડનું રોકાણ કરવાની ફરજ પડી છે. છતાં કોન્ટ્રાક્ટરને પેનલ્ટી તથા મ્યુનિ.ને મેળવવાની થતી રોયલ્ટી વસૂલ કરાઈ નથી.
મ્યુનિ.વિપક્ષી નેતા દિનેશ શર્માએ વિસ્તૃત વિગત આપતાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર ૨૦૧૪માં પિરાણા ખાતેનો બોટલિંગ પ્લાન્ટ કાર્યરત કરાયો હતો તે વખતે એવી જાહેરાત કરાઈ હતી કે, મિથેન ગેસને એલપીજીમાં કનવર્ટ કરી તેને બોટલમાં ભરી વેચાણ કરાશે. દૈનિક ૧૦ હજાર ક્યુબીક મીટર એલપીજી ગેસનું ઉત્પાદન કરી વેચાણ કરાશે.
જેમાં મ્યુનિ.ને દૈનિક રૂ.૯૦ હજારની રોયલ્ટી મળશે તેવી કોન્ટ્રાક્ટર સાથે કરાર કરવામાં આવ્યા હતાં. આ કરારની શરત મુજબ પ્લાન્ટ શરૂ થયા બાદ દૈનિક ધોરણે મ્યુનિ.ને રોયલ્ટી ચૂકવાશે જેમાં એક દિવસની ૯૦ હજાર લેખે વર્ષની રૂ.૩.૨૮ કરોડ રોયલ્ટીની આવક થવાની હતી.
આ પ્લાન્ટને ચાર વર્ષ પૂર્ણ થઇ ચૂક્યા છે. આમ, ચાર વર્ષમાં મ્યુનિ.એ રૂ.૧૩.૧૨ કરોડની રોયલ્ટી મળવી જાઈએ પણ આજદિન સુધી કોન્ટ્રાક્ટર એસટીપી ખાતાના બે અધિકારીઓ સાથે સેટિંગ કર્યું હતું. જેમાં એવું કહેવાયું હતું કે, ઉપરી અધિકારીઓને એ લોકો સેટ કરી દેશે.
સત્તાધીશોને સાચવી લેશે અને તેમના ખિસ્સા ભરો તો રોયલ્ટીના ૧૩ કરોડ બારોબાર માફ કરાવી દેશે. એટલે આ કોન્ટ્રાક્ટરો ૧૩.૧૨ કરોડની રકમ સામે માત્ર પાંચ લાખ ભર્યા હતાં તે સ્વીકારી લેવાયા છે. પ્લાન્ટ શરૂ થયો ત્યાંથી માડી અત્યાર સુધી જુદા-જુદા બ્હાના હેઠળ પ્લાન્ટ બંધ હતો.
જેમાં એસટીપી ખાતાના અધિકારીઓની મિલીભગત જવાબદાર છે. આ પ્લાન્ટમાં મ્યુનિ.એ ૫ કરોડ જેટલો ખર્ચ કર્યાે છે. આ પાંચ કરોડ રૂપિયા ખર્ચ કરવાની કરારમાં કોઈ જાગવાઈ ન હતી. કોન્ટ્રાક્ટરના લાભાર્થે અોક્સિજન વધુ આવતો હોવાથી મિથેન ગેસમાંથી એલપીજી બનાવી શકાતો નથી તેવું બહાનું કરી અમદાવાદ મ્યુનિ.તંત્રને પાંચ કરોડનો ખર્ચ કરાવાયો હતો.
કોન્ટ્રાક્ટર પાસે નિયમ મુજબ, દૈનિક ૯૦ હજાર પેટે અત્યાર સુધીની નીકળતી ૧૩ કરોડની વધુની રોયલ્ટી વસૂલવી જાઈએ. આ રોયલ્ટી કેમ વસુલાઈ નથી તે માટે કોણે કોણે પ્રસાદ મેળવ્યો છે તેની તપાસ થવી જાઈએ તેના માટે વિજિલન્સ ઈન્કવાયરી કરાવવી જાઈએ તેવી અમારી માંગણી છે.