સુરતમાં ૧૭ વર્ષીય કિશોરી પર બળાત્કાર કરનારને ૧૦ વર્ષની સજા
સુરત: અમરોલીમાં વેકેશન ગાળવા કાકાના ઘરે આવેલી ૧૭ વર્ષની કિશોરીને લગ્નની લાલચે ભગાડી જઈ તેની સાથે બળાત્કાર ગુજારનારા ૨૧ વર્ષીય આરોપીને કોર્ટે ૧૦ વર્ષની સજા, રૂ. ૧ હજારનો દંડ અને જાે દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો. કોર્ટે પીડિતાને નાલ્સાની સ્કીમ હેઠળ ૭ લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરી હુકમમાં નોધ્યું હતું કે, બળાત્કારથી કિશોરીની માનસિક સ્થિતિ પર પણ અસર પડી છે. સરકાર તરફે એપીપી કિશોર રેવલીયાની દલીલ કરી હતી કે, રેપના આરોપીને કડકમાં કડક સજા થવી જાેઇએ.
વર્ષ ૨૦૧૮માં ૨૮ એપ્રિલની અમરોલી પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદ મુજબ, હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલાં પિતાના નાના ભાઇની ૧૭ વર્ષીય દીકરી શાળામાં વેકેશન હોય આણંદથી કાકાના ઘરે સુરતના અમરોલીમાં આવી હતી. તા. ૨૭મી મેએ કિશોરીના કાકી ઘરેથી બહાર જઈ રહ્યા હતા ત્યારે તેઓએ સગીરાને તેની સાથે આવવા જણાવ્યું હતું.
જાે કે, તેણીએ પેટમાં દુખે છે એમ કહી ઘરમાં જ રહેવું છે એમ જણાવ્યુ હતુ. અઢી વાગ્યે ઘરના સભ્યો જમવા આવતા ઘરમાં તાળું હોવાથી આજુબાજુ પુછપરછ કરી હતી. જાે કે, મોડી રાત સુધી કિશોરી મળી ન આવતા આણંદ તેના પિતાને ફોન કરીને પૃચ્છા કરવામાં આવી હતી. જાે કે, કિશોરી ત્યાં પણ ન હોવાનું તેઓએ જણાવ્યું હતું. બાદમાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી રીતેશ સોલંકી સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ગયો હતો
આણંદ લઇ ગયો હતો. જ્યાં અન્ય આરોપી સંજય સોલંકીએ તેને એક રૂમની વ્યવસ્થા કરી આપી હતી. જે રૂમમાં આરોપી રિતેશે સગીરા પર અનેક વખત સંબંધ બાંધ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલ હવાલે કર્યો હતો. જ્યાં તેની સામે દલીલો બાદ કોર્ટે આરોપીને દસ વર્ષની સજાનો હુકમ કર્યો હતો.
ટ્રાયલ વખતે કિશોરીનું સીઆરપીસી ૧૬૪ મુજબનું પીડિતાનું નિવેદન અગત્યનું રહ્યુ હતુ. જેમાં પીડિતાએ હકીકત દર્શાવી હતી. પોલીસે એકત્રિત કરેલાં મેડિકલ પુરાવા પણ આરોપી વિરુધ્ધ રહ્યા હતા.આ કેસમાં આરોપી રિતેશને રૂમ અપાવવાની ભૂમિકા નિભાવનારા આરોપી સંજય સોલંકીને કોર્ટે નિર્દોષ છોડતો હુકમ કર્યો હતો. તેની ભૂમિકા મર્યાદિત હોવાની બચાવ પક્ષની દલીલ ગ્રાહ્ય રખાઈ હતી